લોકસભામાં આજે શુક્રવારે સવારે મહિલા સાંસદોએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની આગેવાની હેઠળ ગોકીરો મચાવ્યો હતો અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ માફી માગવી જોઇએ એવી માગણી કરી હતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નિમિત્તે એક સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ ભારત દેશને બળાત્કારની રાજધાની તરીકે વર્ણવ્યો હતો એની સામે મહિલા સાંસદો વિફરી હતી. રાહુલે મેક ઇન ઇન્ડિયાને રેપ ઇન ઇન્ડિયા તરીકે વર્ણવ્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે ગાંધી પરિવારના એક સભ્યે એવું વિધાન કર્યું હતું કે મહિલાઓ પર બળાત્કાર કરો. રેપ ઇન ઇન્ડિયા… ભારતની મહિલાઓ તેમની બાપીકી જાગીર નથી. એ આવું બોલવાની હિંમત કેવી રીતે કરી શક્યા ? દેશનો દરેક પુરુષ બળાત્કારી નથી. જે બળાત્કાર કરે છે એને કાયદો સજા કરે છે. દેશની દરેક મહિલાને તમે કલંકિત કરી શકો નહીં. રેપ ઇન ઇન્ડિયા શબ્દો દ્વારા તમે ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. આ વિધાન કરનારા સામે કડક પગલાં લેવાવાં જોઇએ. સ્મૃતિ ઉપરાંત ભાજપની અન્ય મહિલા સાંસદો તથા કેન્દ્રીય પ્રધાનોએ પણ રાહુલ ગાંધી સામે પગલાં લેવાની જોરદાર માગણી કરી હતી.