ઝારખંડના પિપરવાહ વિસ્તારમાં 10 અને 12 વર્ષની બે બાળકીઓ પર દુષ્કર્મ આતર્યા બાદ તેમની હત્યા કરી દેવામાં આવી છે. તેમજ આઠ વર્ષનો એક બાળક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે રિમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા તે જ ગામના સોનૂ મોચીની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ યૌન શોષણનો અને હત્યાનો કેસ નોંધી લેવાયો છે. પોલીસને આશંકા છે કે સોનૂની સાથે અન્ય એક-બે વ્યક્તિઓનો પણ આ ઘટનામાં હાથ હોવો જોઈએ. સોનૂ ફળ ખવડાવવાની લાલચ આપીને આ ત્રણેય બાળકોને જંગલમાં લઈ ગયો હતો. ત્રણેય બાળકો બુધવાર બપોરથી ગાયબ હતા. પરંતુ સાંજ સુધી તેમની કોઈ ભાળ નહીં મળતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પોલીસે પણ આખી રાત તે બાળકોને શોધવામાં લાગી ગઈ હતી. ગુરૂવારે વહેલી સવારે ચાર વાગ્યે બાળકનો અવાજ સાંભળીને તેમના પરિવારજનો અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળક લોહીથી લથપથ હતો.
લોકોએ તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે રિમ્સમાં લઈ ગયા હતા. ગુરૂવારે બપોર બાદ ગ્રામીણોને બંને બાળકીઓ જંગલમાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી. તેમને પણ તેઓ તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટર્સે એક બાળકીને મૃત જાહેર કરી હતી. જ્યારે બીજી બાળકીને રિમ્સમાં લઈ જવા માટે સૂચવ્યું હતું. આ બાળકી રિમ્સ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે પણ અંતિમ શ્વાસ ભર્યા હતા. રિમ્સમાં સારવાર લઈ રહેલા બાળકે જણાવ્યું કે, ‘સોનૂ ફળ ખવડાવવાની લાલચ આપીને તેની બહેન અને તેની બહેનપણીને જંગલમાં લઈ ગયો હતો. થોડા સમય પછી તે મને પણ લઈ ગયો હતો. પરંતુ ત્યાં મને મારી બહેન ન દેખાતા મેં તેને બહેન વિશે પૂછ્યું તો તેણે મને માર મારવાનો શરૂ કરી દીધો. તે મને જબરજસ્તીથી ખેંચીને ખૂબ દૂર સુધી લઈ ગયો અને ત્યાં પથ્થરથી મારા માથા પર હુમલો કર્યો. ત્યારબાદ મારા શર્ટથી મારા હાથ બાંધી દીધા અને મને મારી ગરદનને ઝાડમાં ફસાવીને ત્યાંથી ભાગી ગયો. સવારે મેં કોઈનો અવાજ સાંભળ્યો તો મેં પણ મદદ માટે બૂમાબૂમ કરી અને મારો અવાજ સાંભળીને મમ્મી અને અન્ય લોકોએ ત્યાં પહોંચીને મને બચાવી લીધો.’