ભાદ્ર શુક્લ ચતુર્થી એટલે આવતીકાલે ગણેશ ચતુર્થી છે, ત્યારે વિનાયક ચતુર્થીને લઈને ગણેશજીના સ્થાપનને રાજ્ય સહિત દેશભરમાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે. સરકારે આ વખતે ગણેશોત્સવને લઈને લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરી સાર્વજનિક સ્થળો પર સ્થાપનાની મંજૂરી આપી છે. જેને પગલે ગાંધીનગરમાં અનેક સ્થળે સાર્વજનિક પંડાલો લાગી ગયા છે.
ગાંધીનગરમાં સેક્ટર-૨૪, સેક્ટર-૭, સેક્ટર-૨૧ સહિતના વિસ્તારો ઉપરાંત ન્યૂ ગાંધીનગરમાં પણ અનેક સ્થળે મૂર્તિઓનું વેચાણ થાય છે. જેમાં ૧૦૦ રૂપિયાથી લઈને ૫ હજાર સુધીની અલગ-અલગ મુર્તીઓ હાલ ભક્તો દ્વારા ઘરે લઈ જવામાં આવે છે. પેટ્રોલ-ડિઝલનના વધેલા ભાવને પગલે મૂર્તિઓના ભાવમાં વધારો છે.આ અંગે સેક્ટર-૨૪ ખાતે મૂર્તિઓનું વેચાણ કરતાં હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘ટ્રાન્સપોટેશનનો ખર્ચ વધતાં મૂર્તિઓના ભાવમાં પણ ફૂટે ૨૦૦થી ૩૦૦નો ભાવ વધારો છે. કારણ કે મૂર્તી માટેની માટી, સજાવટની સામ્રગી સહિતની વસ્તુઓ કોલકત્તા, મુંબઈ અને અમદાવાદ ખાતેથી આવે છે. જેને પગલે મૂર્તિઓના ભાવ પર તેની સીધી અસર થઈ છે. નાગરિકો હવે મોટાભાગે માટીની મૂર્તિઓ તરફ જ વળી ગયા છે. જે મોટા ભાગે ઘર આગળ જ કુંડા કે પીપમાં સહેલાયથી વિસર્જન થઈ જાય તેવા મૂર્તિઓની માંગ કરે છે.’સરગાસણમાં ‘રાજધાની કે રાજા’ની સ્થાપના થશે, ઓમ ફાઉન્ડેશન દ્વારા સરગાસણ ટીપી-૯ વિસ્તારમાં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં પ્રમુખનગર શિક્ષાપત્રી મેદાન ખાતે ૧૧ ફૂટની મૂર્તિની કાલે સ્થાપના થશે. જેમાં છેલ્લા બે દિવસથી મૂર્તી સાથે ભવ્ય શોભાયાત્રા ટીપી-૯ વિસ્તારમાં કઢાઈ હતી.સેક્ટર ૨૨ના રંગમંચમાં ૫૩મો સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાશે, આગામી ૩૧ ઓગસ્ટ ગણેશ ચતુર્થીના રોજ સમગ્ર દેશમા ગણેશજીનુ સ્થાપન કરાશે. દુંદાળા દેવનુ વાજતે ગાજતે સ્વાગત કરવામા આવશે. ત્યારે ગાંધીનગર શહેર પણ સુંઢાળા દેવની સ્થાપના કરવામા અધીરુ બન્યુ છે. સેક્ટર ૨૨ રંગમંચ ખાતે ૫૩મા સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામા આવશે. સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના નિશિત વ્યાસે કહ્યુ હતુ કે,આગામી ૩૧મી બુધવારે સવારે ૧૦ કલાકે સેક્ટર ૧સી ખાતેથી દાદાની શોભાયાત્રા કાઢવામા આવશે. જે સેક્ટર ૨૨ રંગમંચ ખાતે સ્થાપન કરાશે.
કલોલના જુના ચોરા જ્યોતેશ્વર મહાદેવ પાસે ૪૬માં શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ઓગસ્ટના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ગણેશજીની સ્થાપના કરાશે. જેમાં દર વર્ષની જેમ દસ દિવસીય ઉત્સવ રાખવામાં આવ્યો છે.