માણસા શહેરમાં છેલ્લા દસ દિવસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું આવી રહ્યું છે. જે પાણીને જાેતા પીવાનું પણ મન ન થાય કે તેનો ઉપયોગ પણ ન કરી શકાય તેવું છે અને આ બાબતે આજે માણસા યુથ કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપી શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે માટે રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે આ બાબત સ્વીકારી શહેરીજનોને આંતરે દિવસે પાલિકાના બોરનું શુદ્ધ પાણી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ માણસા નગરપાલિકા દ્વારા શહેરીજનો ને છેલ્લા દસ દિવસથી ડહોળું પાણી આપવામાં આવી રહ્યું છે, શહેરીજનો ન છૂટકે તેનો પીવા માટે તેમજ અન્ય કામમાં ઉપયોગ કરી રહ્યા છે. પાણીવેરો સહિત અનેક વેરા ઉઘરાવતી પાલિકા નાગરિકોને શુદ્ધ પાણી પણ પૂરું પાડી રહ્યું નથી. માણસા શહેરની ચારે દિશામાં બનાવવામાં આવેલા પાણીના બોરનું પાણી દરેકના ઘર સુધી પહોંચી શકતું નથી, જેના કારણે માણસા શહેર નર્મદાના પાણી પર ર્નિભર છે.જેમાં છેલ્લા દસ દિવસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળું આવી રહ્યું છે. જે પાણી ને જાેતા પીવાનું પણ મન ન થાય કે તેને ઉપયોગમાં લેવા વિચારવું પડે તેવું હોય છે, જેને કારણે શહેરમાં પીવાના પાણી માટે લોકો મિનરલ પાણીના જગ માટે દોડાદોડી કરી રહ્યા છે, પણ દરેક લોકો આ રીતે દરરોજ પૈસા ખર્ચી મિનરલ વોટર લાવે તેવા સક્ષમ પણ નથી. માણસા યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પંચાલ સહિત ધર્મરાજસિંહ રાઓલ, પ્રદીપસિંહ રાઓલ ,રતનજી ઠાકોર, કનુભાઈ પ્રજાપતિ, લક્ષ્મણ ભાઈ રાવળ, મહિપાલસિંહ વાઘેલાએ પાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી શહેરીજનોને શુદ્ધ પીવા લાયક પાણી મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે પણ આ બાબત સ્વીકારી નર્મદા કેનાલ માંથી પાણી ડહોળું આવી રહ્યું છે, જેથી તેઓ આમાં કંઈ જ કરી શકે તેમ નથી. પરંતુ નાગરિકોને પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે દર બે દિવસે પાલિકાના બોરનું પાણી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.