ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં અંધવિશ્વાસમાં વહુની બલિ આપવાનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે. તાંત્રિક જેઠે પોતાની બહેન અને બનેવીની સાથે મળીને પરિવારની વહુ પર ચપ્પૂ વડે 101વાર ચીરા પાડીને લોહી-લુહાણ કરી દીધી. આ ઈજાઓ પર ડૉક્ટરોએ 450 ટાંકા મારવા પડ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અંધવિશ્વાસને કારણે આરોપી જેઠ પોતાના બીમાર પિતાની સ્વાસ્થ્યને સારું કરવા માટે આવું કરી રહ્યો હતો. પોલીસે આરોપી નણંદની ધરપકડ કરી લીધી છે. જ્યારે જેઠ અને નણદોઈ ફરાર થઈ ગયા છે. પોલીસ તે બંનેને શોધી રહી છે.
મામલો બરેલી શહેરના બારાદરીના સિકલાપુર મહોલ્લાનો છે. વહુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ભોજીપુરાના મોર્ડન વિલેજ ઘંઘોરા ગામમાં રહેતી રેનૂના લગ્ન 8 વર્ષ પહેલા સિકલાપુરમાં રહેતા સંજીવ સાથે થયા હતા. બંનેની એક દીકરી પણ છે. ભાઈનો આરોપ છે કે, રેનૂના સસરા જગદીશ મહિનાઓથી બીમાર છે અને પથારીમાં છે. રેનૂના જેઠ મેલી અને નણંદ મોની તાંત્રિક છે. અંધવિશ્વાસને કારણે જેઠ, નણંદ અને નણદોઈ રાજૂએ તેની બહેનની બલિ આપવાનો પ્રયત્ન કર્યો. રેનૂના ચહેરા સહિત શરીર પર 101 વાર ચપ્પૂ વડે ચીરા પાડ્યા. તેના ભાઈનું કહેવું છે કે, તેની નણંદ કહી રહી હતી કે, રેનૂ પર જેટલીવાર ચપ્પૂ વડે ચીરા પાડવામાં આવશે તેના પિતા (રેનૂના સસરા) એટલા વધુ વર્ષ જીવિત રહેશે અને સાજા પણ થઈ જશે.
લોહીલુહાણ હાલતમાં રેનૂ કોઈકરીતે પોતાનો જીવ બચાવીને ઘરમાંથી ભાગી અને બરેલી કોલેજ પહોંચીને બેભાન થઈ ગઈ. પોલીસને જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી રેનૂને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ત્યાં તેને યોગ્ય સારવાર ન મળતા પરિવારજનો તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં રેનૂને 450 ટાંકા આવ્યા છે.
પોલીસે આરોપી જેઠ મેલી, નણંદ મોની તેમજ નણદોઈ રાજૂ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે આરોપી નણંદની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે ફરાર મેલી અને રાજૂની શોધખોળ હાથ ધરી છે.