ઉત્તરાયણના પર્વની ઉજવણીને હવે માત્ર બે જ દિવસની વાર છે. જેમ-જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ-તેમ આકાશમાં પતંગની સંખ્યાઓ પણ વધી રહી છે. પતંગની સંખ્યાની સાથે-સાથે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ અને મનુષ્યોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત બાળકને દવાખાને જવાનો વારો આવ્યો છે. સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં પતંગની પાછળ દોડતા એક વિદ્યાર્થીના ટ્રેનની નીચે આવી જતા બંને પગ કપાઈ ગયા છે.
એક રિપોર્ટ અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતો અને ધોરણ છમાં અભ્યાસ કરતો ઈમામ શેખ નામનો વિદ્યાથી ઘરેથી માતા-પિતાને જાણ કર્યા વગર ઉધના રેલવે લાઈન પર પોતાના મિત્રોની સાથે પતંગ પકડવા માટે ગયો હતો. પતંગ પકડવાની લ્હાયમાં ઈમામ રેલવે ટ્રેક પરથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનની નીચે આવી ગયો હતો. આ ઘટનામાં ઈમાનના બંને પગ કપાઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસ ઉભા રહેલા લોકોએ તાત્કાલી 108ને બોલાવીને ઈમામને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બીજી તરફ ઈમામના મિત્રોએ આ ઘટનાની જાણ ઈમામની માતાને કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ ઈમામના એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવાની તૈયારી દર્શાવી છે. ઈમામના પિતા એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ ઘટનાને પગલે ઈમામની માતાએ જણાવ્યું હતું કે, તેના મિત્રએ ઘરે આવીને કહ્યું કે, ઈમામ પતંગ પકડવા જતો હતો ત્યારે ટ્રેન પરથી નીચે પડી ગયો અને તેના પગ ટ્રેનની નીચે આવી ગયા છે.