કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વખત કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકાર પાસે આવી નથી. આ ચૂંટણીનું વર્ષ છે એટલે કોંગ્રેસીઓને કર્મચારીઓ અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો ભાવ જાગ્યો છે એમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે, ચૂંટણીનું વર્ષ હોવાથી કોંગ્રેસીઓ કર્મચારીઓના પ્રશ્નોને રાજકીય સ્વરૂપ આપી રહ્યા છે. ચર્ચા કરવા માટે વિધાનસભા ગૃહની ગરિમા પણ ન જાળવી શકેલા કોંગ્રેસીઓ કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે નહીં પરંતુ તેને ગેરમાર્ગે દોરવા માટે આ કોંગ્રેસીઓ કર્મચારીના પડખે હોવાનો ડોળ કરી રહ્યા છે. આ તમામ હમદર્દી તેમની માત્ર વોટ માટે છે.
વિધાનસભા ગૃહમાં ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ કોંગ્રેસીઓએ પોતાની દોગલી માનસિકતા છતી કરી છે તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસીઓને લોકો સાથે સંબંધ રહ્યા નથી. મીડિયા સમક્ષ આવી દેખાવો કરી કર્મચારીઓ અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ સાથે પ્રજાજનો નથી તેમના નેતાઓ નથી અને તેમના કાર્યકરો પણ હવે કોંગ્રેસ પક્ષથી મોઢું ફેરવી રહ્યા છે. નાગરિકોને અમારા પર વિશ્વાસ છે, અમે તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને જાળવી રાખીશું. આગામી વિધાનસભામાં પણ અમને ગુજરાતની પ્રજા આવો જ સાથ અને સહકાર આપશે તેવો આત્મવિશ્વાસ છે.
રાજ્યના હિત અને પ્રજાના હિતને આ સરકારે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના વિકાસમાં કર્મચારીઓનો અમૂલ્ય સહયોગ છે, તેમજ કર્મચારીઓ અમારા પરિવારના સભ્યો જ છે. કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે સંવાદ ચાલી રહ્યા છે. રાજ્ય અને પ્રજાનું હિત લક્ષમાં રાખી સરકારના નીતિ નિયમોને સાથે રાખીને કર્મચારીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. ક્યારેય ના લેવાયા હોય તેવા કર્મચારી હિતના નિર્ણયો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારમાં લેવાયા છે.
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સની વાતો કરનાર કોંગ્રેસીઓ યુવાનોને ડ્રગ્સ પીરસવા માંગે છે. રાજ્ય સરકારે ડ્રગ્સને પકડી એક સારું કાર્ય જ કર્યું છે તેમ છતાં કોંગ્રેસ આ વાતને વારંવાર રીપીટ કરીને પોલીસ જવાનોનું મનોબળ તોડી રહી છે. રાજ્યમાંથી હેરાફેરી થતાં ડ્રગ્સના મોટા જથ્થા પકડી પાડવામાં આવ્યા છે.