જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યાને પાંચ મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. વિપક્ષ સતત આરોપ કરી રહ્યું છે કે ઘાટીમાં જન જીવન હજી સુધી સામાન્ય નથી થઈ શક્યું. વિપક્ષના આરોપો વચ્ચે મોદી સરકારના 36 મંત્રીઓ શનિવારથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ધામા નાંખશે. આ દરમિયાન મંત્રીઓ અલગ-અલગ સમૂહોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પહોંચશે અને તેઓ જમ્મુ તેમજ કાશ્મીરમાં કુલ 60 સ્થળોની મુલાકાત લેશે.
કેન્દ્રીય મંત્રી જમ્મુમાં 51 અને કાશ્મીરમાં નવ સ્થળોની મુલાકાત કરશે. આ દરમિયાન તમામ મંત્રીઓ કાશ્મીરીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસની જાણકારી આપશે. પહેલા દિવસે એટલે કે આજે (શનિવાર) કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને અશ્વિની ચૌબે, સાંબા અને જિતેન્દ્ર સિંહ જમ્મુ જિલ્લાનો પ્રવાસ કરશે.
તેમજ રવિવારના રોજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રિસાઈના કટરા અને પંથલની મુલાકાત કરશે. જ્યારે મહેન્દ્રનાથ પાંડે જમ્મુના દનસાલ, અનુરાગ ઠાકુર જમ્મુના નગરોટ, પીયૂષ ગોયલ અખનૂર, આરકે સિંહ ડોડાના ખેલાનીની મુલાકાત માટે જશે.
જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ પર એક તરફ ભારતીય જનતા પાર્ટી ઉત્સાહિત છે તો બજીતરફ સ્થાનિક પક્ષોનું માનવું છે કે આ પ્રવાસથી કંઈજ ફાયદો થવાનો નથી. પરંતુ ભાજપનું માનવું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિકાસ કાર્યો શરૂ કરવા માટે જમીનની સ્થિતિનું અવલોકન કરવા માટે આ પ્રવાસ મહત્વનો સાબિત થશે.