રાજસ્થાનના સીકર જિલ્લામાં નીમકાથાની પુરાણાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 97 વર્ષીય મહિલાએ સરપંચ પદ પર વિજય મેળવી લીધો છે. નીમકાથાનાના અધિકારી સાધૂરામ જાટે જણાવ્યું કે પંચાયતની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પુરાણાવાસ ગ્રામ પંચાયતમાં સરપંચના પદ પર વિજય નોંધાવનારા વિદ્યા દેવીએ પોતાની પ્રતિસ્પર્ધિ આરતી મીણાને 207 મતના અંતરથી હરાવી લીધી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરપંચના પદ પર ચૂંટાયેલા વિદ્યા દેવીને 843 મત મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધિ આરતી મીણાને 636 મત મળ્યા હતા. ગ્રામ પંચાયતમાં કુલ 4,200 મતદાતાઓમાંથી 2,856 મતદાતાઓએ મતદાન કર્યું હતું. ગ્રામ પંચાયતમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વિદ્યા દેવીના પતિએ પણ 1990થી સતત 25 વર્ષ સુધી સરપંચ પદ સંભાળી ચૂક્યા છે.
નોંધનીય છે કે પંચાયતના પહેલા તબક્કાની ચૂંટણીમાં 87 પંચાયત સમિતિઓની 2,726 ગ્રામ પંચાયતોના 26,800 વોર્ડ માટે શુક્રવારના રોજ મતદાન પૂર્ણ થયું હતું. સરપંચ પદ માટે શુક્રવારના રોજ જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. આ 87 પંચાયત સમિતિ વિસ્તારમાં કુલ 93,20,684 મતદાતાઓ છે. સરપંચ પદ માટે 17,242 અને પંચના પદ માટે 42,704 ઉમેદવારો મેદાનમાં છે. આ દરમિયાન રાજ્યભરમાં 36 સરપંચ અને 11,035 પંચ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.