ગાંધીનગર
રાજય સરકારે કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી તેની તમામ માંગણીઓને સંતોષી છે. તેથી જ આ વિભાગને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવે છે. રાજયના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે, કોર્ટ બિલ્ડીંગ તથા ન્યાયિક અધિકારીઓ/ કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે વિભાગની ચાલુ વર્ષની રૂા. ૧૭૪૦ કરોડની કુલ બજેટ જોગવાઈ સામે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૬૮૩.૩ કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે. અંદાજીત રૂા.૧૦૦ કરોડના ખર્ચે રાજયના વિવિધ તાલુકા – જીલ્લા મથકોએ બહુમાળી પ્રકારના કોર્ટ બિલ્ડીંગ તૈયાર થયા છે, જેમા ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, રાજપીપળા, ગાંધીધામ, આંકલાવ, વડોદરા જીલ્લાના દેસર તેમજ પંચમહાલ જીલ્લાના હાલોલ કોર્ટ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજયના વિવિધ-૧૭ જીલ્લા- તાલુકા મથકે કુલ રૂા. ૪૩પ કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ તૈયાર થનાર છે. જેમાં ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, સુત્રાપાડા, રાજકોટ જિલ્લાના ભાયાવદર, ફેમીલી કોર્ટ અમદાવાદ, કડાણા, ગોધરા, ઉમરાળા, ટંકારા, સાણંદ, માંડલ, હિંમતનગર, છોટાઉદેપુર જિલાના કવાંટ, તાપી જિલ્લાના ઉચ્છલ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ થાય છે.રાજ્ય સરકાર ન્યાયાલયો સાથે ન્યાયાધીશો તથા સ્ટાફની પણ ચિંતા કરે છે. તેમને પણ આધુનિક અને વ્યવસ્થિત આયોજનયુક્ત સુવિધા પુરી પાડવા માટે સરકાર સુસજ્જ છે. જેથી વિવિધ ર૦ તાલુકા-જીલ્લા મથક ખાતે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પૂરતા પ્રમાણમાં મળે તે માટે કુલ રૂ. ૫૭ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સિદસર, રાજકોટ, સિનોર, ધોળકા, માંડલ, કડાણા, ગોધરા, પ્રાંતિજ, ઉચ્છલ, કરજણ, ડભોઈ, દેદિયાપાડા, થરાદ અને હિંમતનગર ખાતે ન્યાયિક અધિકારીશ્રી તથા કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બદલી થઈને આવેલ ન્યાયાધીશોને તાત્કાલીક રહેઠાણના આવાસ મળે તે હેતુથી અમદાવાદ ખાતે કોમનપુલના આવાસોમાંથી ન્યાયાધિશો માટે કુલ ૧૦૪ આવાસો ઈયરમાર્ક કરી નામ.હાઈકોર્ટને હસ્તક સોંપાયા છે.