સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ
અમદાવાદમાં હવે મેટ્રો સ્ટેશન નજીક જ 14 થી 16 સ્થળોએ બનશે પાર્કિંગ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા પૂર્વ ઝોનમાં નિકોલ વિસ્તારમાં મોડલ સ્કૂલ અને અદ્યતન લાયબ્રેરી બનાવવા માટેના કામને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.તેમાં મોડલ સ્કૂલ કરતાં લાયબ્રેરી અદ્યતન બનાવવા માટે મોટો ખર્ચ કરવામાં આવશે. મોડલ સ્કૂલ કરતાં લાયબ્રેરી બનાવવા પાછળ રૂ. 9 કરોડનો વધુ ખર્ચ કરવામાં આવશે. પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં મોડલ સ્કૂલ બનાવવા પાછળ રૂ.4.63 કરોડ જ્યારે નિકોલ વોર્ડમાં લાયબ્રેરી બનાવવા માટે રૂ. 13.21 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, પીરાણા ડમ્પસાઇટ ઉપર ચોમાસા બાદ હવે ફરીથી કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 35 એકર જેટલી જમીન પર કચરો દૂર કરવામાં આવ્યો છે. જે જમીન પરથી કચરો દૂર થયો છે ત્યાં હવે આગળ શું બનાવી શકાય તેમ જ વૃક્ષારોપણ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. શહેરમાં છેલ્લા એક વર્ષથી લાખો વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે તે વૃક્ષોનું જતન કરવા માટે તેમજ મિયાવાકી પદ્ધતિથી જે વૃક્ષો વાવ્યા છે અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તે વૃક્ષોનું યોગ્ય જાળવણી રહે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ સર્કલો અને ડિવાઈડરો ઉપર સુશોભન કરવામાં આવશે. તહેવારો દરમિયાન ગંદકીનું પ્રમાણ વધતું હોય છે. જેથી ગંદકી ન ફેલાય તેના માટે શહેરમાં સમયસર અને ઝડપી સફાઈ કરાવવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવી હતી, આ ઉપરાંત શહેરના અલગ અલગ બ્રિજ ઉપર નદીમાં પધરાવવા માટે જે લોકો પૂજા સામગ્રી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલા કળશમાં મૂકીને જાય છે તેમાં બે વખત કળશની સફાઈ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં મેટ્રોની શરુઆત થઈ ચુકી છે. હાલ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ મેટ્રો સુધી પહોંચ્યા બાદ મુસાફરોને પોતાના વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડનારી મેટ્રો સુધી પહોચ્યાં બાદ પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મૂંઝવણમાં હતા.મેટ્રોના મુસાફરોને પોતાના વાહન પાર્ક કરવા માટે હવે મેટ્રો સ્ટેશન નજીક જ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ પાર્કિંગની સુવિધા મેટ્રો સ્ટેશનથી 500 મીટરના અંતરના વિસ્તારમાં મળી શકશે. આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને વાહન પાર્કિંગના પ્લોટની ફાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. આદેશ મળ્યા બાદ એસ્ટેટ વિભાગે પ્લોટની માત્ર મુલાકાત લીધી હતી પરંતુ મેટ્રો શરુ થયા બાદ પણ પાર્કિંગની સુવિધા મળી શકી નહોતી. જો કે, હવે નવા આદેશ મુજબ 14 થી 16 સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.