અમદાવાદ
અમદાવાદના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શહેરમાં રોગચાળો કાબુમાં લેવામાં, પાણી આપવામાં,ઉભરાતી ગટરોની ફરિયાદ દૂર કરવામાં, લોકોને સારારસ્તા આપવામાં કોર્પોરેશનનું વહીવટી તંત્ર અને સત્તાધારી ભાજપ પક્ષ નિષ્ફળ ગયું છે. જેથી વિપક્ષે માંગણી કરી હતી કે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને લોકોની ફરિયાદો અને સમસ્યાઓને ઝડપથી દૂર કરવામાં આવે.
વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિપક્ષની રજૂઆતને સાંભળી મેયર કિરીટ પરમારે તેઓને જણાવ્યું હતું કે પ્રજાની જે પણ સમસ્યા હશે તેને ઝડપથી દૂર કરવામાં આવશે આગામી દિવસોમાં શારદાબેન અને એલજી હોસ્પિટલ નવી બનવા જઈ રહી છે અને તેનું ખાત મુહૂર્ત ખૂબ જ ઝડપથી કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તથા ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ઇમરાનભાઇ ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષી અને AMC ના વિરોધ પક્ષ નાં નેતા શેહજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દિવાળીના તહેવાર આવી રહયાં છે ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પો.માં જી.પી.એમ.સી.એક્ટ પ્રમાણે શહેરના પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય આપવું તેમજ પ્રજાને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિકાલ થાય તે હેતુથી પ્રાથમિક સેવા બાબતની પ્રજાની કોઇ પણ ફરિયાદો હોય તો તેને પ્રથમ પ્રાથમિકતા આપી તાત્કાલિક ફરિયાદોનો નિકાલ થવો જોઇએ. તેની બદલે શહેરના નગરજનોને બે ટાઇમ પાણી પુરુ પાડવા, ડેન્ગયુ તથા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા તથા શહેરના ઉબડ ખાબડ રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યા, ગંદકી દુર કરવા તથા આરોગ્ય મેડીકલ સારવાર જેવી પ્રાથમિક સુવિધાઓ બાબતની ફરિયાદો દિન-પ્રતિદિન વધવા પામે છે પ્રાથમિક સુવિધાની ફરિયાદોનો નિકાલ લાવવા બાબતે વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષ અસમર્થ થઇ નિષ્ફળ ગયેલ છે.અમદાવાદ શહેરની અંદર નવા બનાવેલા મોટા ભાગના રોડની હાલત બદતર તથા તહસ નહસ થઈ જવા પામેલ છે. હાલમાં ઠેર ઠેર રોડ ઉપર નાના મોટા ગાબડા તથા ભુવા પડવા પામેલ છે તેમજ મોટા ભાગના રોડની કપચી ઉખડી જવા પામેલ છે. જેને કારણે શહેરનાં નાગરિકોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અમદાવાદ મુસીબત કોર્પોરેશન સાબિત થઈ રહેલ છે.અમદાવાદ શહેરમાં ઠેર ઠેર મચ્છરજન્ય ડેન્ગયુનો રોગચાળો ફેલાયેલ છે શહેરના નગરજનો કમળો, ફાલ્સીફારમ, ઝાડા-ઉલ્ટી, મેલેરિયા, ડેન્ગયુ જેવા રોગોના શિકાર બનેલ છે. હાલમાં શહેરમાં બેકાબૂ બનેલ મચ્છરજન્ય રોગચાળાને લીધે નગરજનો ડેન્ગ્યુ, ફાલસીપારમ, ઝાડા-ઉલ્ટી તથા વાયરલ ફીવરની ઝપટમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. શાસકપક્ષને આની કોઇ ગંભીરતા જણાતી ન હોઇ તે ઉજવણીમાં મસ્ત છે જેનો ભોગ શહેરના નાગરિકો ભોગવી રહયાં છે જે ખુબ જ ગંભીર અને ખતરનાક બાબત છે દિવાળીના પર્વ પહેલાં શહેરમાં ગંદકીનું સામ્રાજય દૂર થાય તથા રોગચાળો ત્વરિત નિયંત્રણમાં આવે તેવા પગલાં લેવા તમામ કામગીરી તાકીદે કરવી જોઇએ.અમદાવાદ શહેરમાં પીવાના પાણી ના પ્રેશર માટે વારંવાર રજુઆત કરવા છતાં હજુ પણ પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી ડ્રેનેજ લાઇનોમાં રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં આશરે ૭ થી ૧૦ ફુટ જેટલું પાણી ભરાઇ રહેવા પામે છે. પછી સવારે શહેરીજનોના ઘરમાં પાણી બેક મારે છે. તેનો તાકીદે ઉકેલ લાવવો જોઇએ.ગરીબ લોકોની સારવાર માટે બનાવવામાં આવી હતી તે વી.એસ. હોસ્પિટલને ભાજપના શાસકો દ્વારા બંધ કરીને ગરીબોની હાય લેવાનું પાપ કરેલ છે માત્ર ને માત્ર મેડીકલ કોલેજની સીટોનું વ્યાપારીકરણ કરવા ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલને ભાજપના શાસકો દ્વારા બંધ કરવામાં આવેલ છે સત્તાધારી ભાજપ દ્વારા એસ.વી.પી. હોસ્પિટલના નામ પર માત્ર વાહવાહી લુંટવાનું કામ કરેલ છે પરંતુ હવે મ્યુ.કોર્પો. એસ.વી.પી. હોસ્પિટલનો બોજ ઉઠાવી શકે તેમ નથી જેનું મુખ્ય કારણ ગરીબોની હાય લેવાનું પાપ કરીને મેડીકલ કોલેજની સીટોનું વ્યાપારીકરણ કરવાના હેતુથી બનાવેલ એસ.વી.પી. હોસ્પિટલ હવે મ્યુ.કોર્પોને દર વર્ષે રૂા.૨૦૦ કરોડનો બોજો ઉઠાવવાની નોબત આવી પડેલ છે જેથી એસ.વી.પી. હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગ સસ્તા અને વ્યાજબી દરે સારવાર લઇ શકે તે મુજબની વ્યવસ્થા કરવી જોઇએ તેમજ એસ.વી.પી. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીટીવાળા ડોકટરો વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેતાં નથી માત્ર મેડીકલ સ્ટુડન્ટો દ્વારા જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેને કારણે દર્દીની સારવાર સારી રીતે અને ઝડપથી થઇ શકતી નથી જેથી સુપર સ્પેશ્યાલીટીવાળા ડોકટરો વોર્ડમાં નિયમિત રાઉન્ડ લઇને દર્દી ઝડપથી સાજો થાય તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવી જોઇએ.આ તમામ પ્રજાલક્ષી બાબતોને ગંભીરતાથી લઇ આવનાર દિવાળીના તહેવારના દિવસોને ધ્યાનમાં રાખી પ્રાથમિક સુવિધાઓ તથા પ્રજાલક્ષી બાબતની વિવિધ તમામ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવા નગરજનોના હિતમાં વહીવટીતંત્રને તાકીદની સૂચના આપવા યોગ્ય કરવા મેયરને અમારી માંગણી છે.
ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તથા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમાર, ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષી અમદાવાદ શહેરના પ્રભારી બિમલ શાહ મ્યુ.કોંગ્રેસ પક્ષના મ્યુ.કાઉન્સીલરશ્રીઓ તથા કોંગ્રેસ પક્ષના વિવિધ વોર્ડ પ્રમુખશ્રીઓ આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.