અમદાવાદ
મહાત્મા ગાંધીના મુલ્યો પર જીવનભર ચાલનાર સ્વ. ઇલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્ગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં ગાંધીમુલ્યોનું જતન કરતા ઇલાબેન ભટ્ટના નિધનના સમાચારથી સમસ્ત ગુજરાત ઘેરાશોકની લાગણી અનુભવી રહ્યું છે. ખરા અર્થમાં મહિલાઓ માટે અંતિમ શ્વાસ સુધી અવિરત પણે કાર્યરત રહેનાર ઈલાબેન ભટ્ટે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે આજીવન કામ કરીને લાખો મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવ્યા હતા. તેઓ માનતા હતા કે, આર્થિક અને સામાજીક ક્ષેત્રે મહિલાઓને સ્વાંવલંબી બનશે ત્યારે જ મહિલાઓ ખરા અર્થમાં સ્વતંત્ર થઇ શકશે. તેમના નિધનથી ગુજરાત અને સમગ્ર દેશે કદાપી ન પુરાય તેવી ખોટ પડી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય મહાસચિવ જ્યરામ રમેશે સ્વ. ઇલાબેન ભટ્ટને શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, ઇલાબેન ભટ્ટ ખરેખર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને અસંગઠિત ક્ષેત્રમાં સશક્તિકરણની ચળવળમાં પ્રથમ ગુજરાતમાં અને બાદમાં સમગ્ર દેશમાં પ્રણેતા હતા. “સેવા” એ તેમનો સૌથી મોટો વારસો છે અને તેણે લાખો મહિલાઓ અને તેમના પરિવારોના જીવનમાં મોટો ફેરફાર કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ સ્વ. ઇલાબેન ભટ્ટના નિધન
અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલા ઉત્થાન માટેની કાર્યરત એવી “સેવા” સંસ્થાના સ્થાપક, ગુજરાત વિધાપીઠના પૂર્વ કુલપતિ, પદ્મભૂષણ ઇલાબેન ભટ્ટના નિધનના સમાચાર દુઃખદ છે. ઈલાબેન ભટ્ટે સમગ્ર જીવન મહિલા સશક્તિકરણમાં વિતાવ્યુ. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના ઇલાબેન ભટ્ટના પરિવાર અને સમર્થકો સાથે છે. ઇશ્વર ઇલાબેન ભટ્ટના આત્માને શાંતિ આપે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળના વાતાવરણમાં જન્મેલા, ગાંધીજીનાં માર્ગે ચાલનારા તેમજ ગુજરાત વિધાપીઠના પૂર્વકુલપતિ અને સેવાનો પર્યાય રચનાત્મક કાર્યક્રમ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું અને એનું વૈશ્વિકીકરણ કરનાર ઇલાબેન ભટ્ટ આપણને સૌને અલવિદા કરી ગયા છે. તેમને હું શોકાંજલી પાઠવું છું. જે સિધ્ધાંતો સાથે સેવાનું કામ કર્યું છે તે વિચારો – કામને આગળ વધારીએ તે સાચી શ્રધ્ધાંજલી છે.