પંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયા ગુજરાતમાં ઠલવાય છે : આલોક શર્મા
આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ કમલમ્ માંથી નક્કી થાય છે : ઈન્દ્રનીલ રાજગુરુ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, . આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ દંગા, ડ્રગ્સ અને દારૂના ભ્રષ્ટાચારના રૂપિયા ગુજરાતમાં ઠાલવીને પ્રચાર – પ્રસાર કરી રહી છે. આમ આદમી પાર્ટીનાં કેજરીવાલના ફરજીવાડાનો અસલ ચહેરો આજે જનતા સમક્ષ આવી ગયો છે.તાજેતરમાં જ આપ પાર્ટી માંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતા ઈન્દ્રનીલ રાજગુરુએ દિલ્હી ખાતે પ્રેસકોન્ફરન્સમાં પોતાના અનુભવો વર્ણાવતા અને સત્યને પ્રસારીત કરવાના ઉદેશ્યથી આમ આદમી પાર્ટીના બેવડા ચહેરાને ખુલ્લો પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી કેજરીવાલ અને ભગવતમાન પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના કોથળા લઈને વિના રોકટોક ગુજરાત આવે છે ! અને આમ આદમી પાર્ટી અને ભાજપ એ એકબીજા સાથે મળીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારનું લીસ્ટ પણ કમલમ્ ના આદેશ મુજબ જાહેર કરી રહી છે.
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૨૦ કરોડ રૂપિયા હવાલાથી મોકલવામાં આવ્યા છે ! આ હવાલાકાંડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારથી લઈને દિલ્હી સુધીનું આખુ નેટવર્ક વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે. દિલ્હીના દારૂકાંડના આરોપી નંબર-5 વિજય નાયક, પણ આ હવાલાકાંડની અંદર સામેલ છે. એકતરફ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીઓના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના પોટલાની હેરાફેરી થવી અને બીજી તરફ આ પ્રકારનો હવાલાકાંડ એ ભાજપના જ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના શાસનમાં થાય છે તેના માટે આંખ આંડા કાન શા માટે કરવામાં આવે છે ? પંજાબમાં ડ્રગ્સના એન.ડી.પી.એસ. એક્ટ અનુસાર 10 હજાર થી પણ વધારે કેસ રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. પંજાબની અંદર તાજેતરમાં જ Y કેટેગરી સુરક્ષા ધરાવતા હિંદુ નેતાની હત્યા કરવામાં આવી, કોંગ્રેસના અગ્રણી મુસેવાલાની હત્યા કરવામાં આવી અને પંજાબના સાંસદ સીમરનજીત માન જાહેરમાં ખાલીસ્તાનની તરફેણમાં ઉષ્કેરણીજનક ભાષણો કરી રહ્યાં છે છતાંય ભાજપ શાસીત કેન્દ્ર સરકારની દરેક એજન્સીઓ મૌન છે આ બાબત સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી-ટીમ છે.
કોંગ્રેસ નેતા પવન ખેરાનો આપ પર આરોપ છે કે, બે રાજ્યોના મુખ્યમંત્રી રુપિયા લઈને આવ્યા હતા.ચાર્ટડ પ્લેનથી કરોડો રુપિયાની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, કરોડો રુપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ જરુરી છે. પંજાબ CM પ્લેનમાં રુપિયા લઈને આવ્યા હતા.પંજાબ સરકારના વિમાનમાં બે મુખ્યમંત્રી ગુજરાત પહોંચ્યા હતા. 1 ઓક્ટોબરની તારીખ જણાવાઇ રહી છે.રઘુ શર્માએ જણાવ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. જો પૈસા વિમાનમાં આવે છે તો સિક્યોરિટી શું કરી રહી છે? તપાસ થાય છે કે નહીં? આ બધી સગવગ કોણ કરી રહ્યું છે? આ બહુ ગંભીર સવાલ છે.
ઠગ સુકેશ ચંદ્રશેખરે સીએમ પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે રાજ્યસભાની સીટ ઓફર કરવાનો પણ દાવો કર્યો છે. સુકેશે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે કે, કેજરીવાલે ટ્વીટ કરીને મને મહાઠગ કહ્યો તો હું કહીશ કે જો તમારા મતે હું મહાઠગ છું. તમે મારી પાસેથી 50 કરોડ કેમ લીધા હતાં અને મને રાજ્યસભાની સીટ માટે ઓફર કેમ કરી હતી. તો શું હું તમને મહાઠગ ના કહેતો. તમે પણ કહ્યું હતું કે, 30 બીજા લોકો લાવવા માટે 500 કરોડ રૂપિયા એકત્ર કરીને કર્ણાટક અને તમિલનાડુમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકતા. તમે સતેન્દ્ર જૈન સાથેની મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી હતી. સાથે જ તમને 50 કરોડનો સોદો કર્યો હતો અને સતેન્દર જૈન અને કૈલાશ ગેહલોતને આસોલાના એક ફાર્મહાઉસમાં આપવામાં આવ્યો હતો. સુકેશે આ પહેલા AAP નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, તેણે ‘પ્રોટેક્શન મની’ તરીકે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ સંદીપ દિક્ષીત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા હિરેન બેંકર, પ્રવક્તા ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.
કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી માટે કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. અમદાવાદનાં ઘાટલોડિયાથી ભાજપના ભુપેન્દ્ર પટેલની સામે કૉંગ્રેસે અમીબેન યાજ્ઞિક,ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પોરબંદરથી, એલિસબ્રીજ થી ભીખુભાઈ દવે, અમરાઈવાડી થી ધર્મેન્દ્ર પટેલ,દસક્રોઈ થી ઉમેદ સિંહ ઝાલા,હિમાંશુ પટેલ ગાંધીનગર દક્ષિણ અને હિતેશભાઈ વોરા રાજકોટ દક્ષિણ, ઋત્વિક જોષી અકોટા, સંજય પટેલ રાવપુરા અને ભરત વી સોલંકી ગાંધીધામથી મેદાનમાં છે.આમ પહેલી યાદીમાં કોંગ્રેસે હારેલી બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.2017ની ચૂંટણીમાં આ 43માંથી માત્ર5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા.જે 5 ઉમેદવાર રિપીટ છે. જ્યારે બાકીના તમામ નવા ચહેરા છે.કોંગ્રેસના જાતિગત સમીકરણની આ પ્રથમ યાદીમા જોઇએ તો પાટીઘર ૯ , આદિવાસી ૧૧, ઓબીસી ૧૧, એસસી ૫, બ્રાહ્મણ-વણિક સહિત જનરલ ૭ છે.