ઘણીવાર તમે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોયું હશે તો કેટલાક પાણીપુરી વાળાઓ બટાકાને પગથી છૂંદતા હોય છે. ત્યારે હવે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના તબીબોને પીરસવામાં આવતી બટાકાની વાનગીના બટાકા પગ વડે સાફ થઇ રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ પણે એવું દેખાઈ રહ્યું છે કે, તબીબોને આપવામાં આવતું જમવાનું કેટલું આરોગ્યપ્રદ છે.
આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને જાણ થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં તપાસ કરીને તેને સીલ માર્યું હતું. આ બાબતે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને સવાલના ફેરવી-ફેરવીને જવાબ આપ્યા હતા અને ભૂતકાળમાં રસોઈયા સાબુથી પગ ધોઈને લોટ પગથી બાંધતા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, હજારો માણસનું રસોડું હોય પૂરી માટે લોટ બંધાતો હોય તો મોટી માત્રમાં ઘઉંનો લોટ રસોઈયા આવી રીતે જ બનાવતા હોય. હવે બધા મશીનો આવ્યા કે, ઝડપથી લોટ બાંધી શકાય વગેરે. આવું ભૂતકાળમાં આપણે બધાએ જોયેલું છે અને જે હજારોનું જમણવાર હોય ત્યાં આ બધું સ્વભાવિક રીતે થતું હતું. જે રસોઈયો આ કામ કરે તેના પગ ધોવામાં આવતા હોય છે સાબુથી ધોવામાં આવતા હોય છે. હું ભૂતકાળની વાત કરુ છું આજના બનાવની વાત નથી કરતો એમાં કોઈ પ્રશ્ન નથી.