એલિસબ્રિજ બેઠક નાં કૉંગ્રેસ ઉમેદવાર ભીખુભાઇ દવે
એલિસબ્રિજ બેઠક પર બ્રાહ્મણ અને જૈન સમાજનો દબદબો : કોરોનામાં સેવાભાવી પ્રવૃત્તિઓને કારણે ભીખુભાઈ ૧૦૮ થી ઓળખાય છે
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં એલિસબ્રિજ પરથી ફરી વર્ષો જૂના કોંગ્રેસના સ્થાનિક કાર્યકર ભીખુ દવેને ટિકિટ આપી છે.અગાઉ 2017 માં વિજય દવે જે સ્થાનિક ઉમેદવાર હતા તેમને ટિકિટ આપી હતી પરંતુ ૮૫૦૦૦ ની લીડ થી ભાજપ સામે હારી ગયા હતા આમ ફરી કૉંગ્રેસે આ બેઠક પર બ્રાહ્મણ કાર્ડ અપનાવ્યું છે. ભીખુ દવેએ માનવમિત્રને જણાવ્યું હતું કે, મને ટીવી અને મિત્રોના માધ્યમથી ટિકિટ મળી હોવાનું ખબર પડી હતી. ટિકિટ જાહેર થતાં જ મંદિરમાં જઈને દર્શન કરી પૂજા કરી હતી .
ભીખુભાઈ દવે મૂળ સુરેન્દ્રનગરના વતની છે અને બ્રાહ્મણ છે.એલિસબ્રિજ વિસ્તારમાં જ કેટલાય વર્ષોથી રહે છે.તેમણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે.તેઓ જમીન મકાન સહિત મિલકતની કન્સલ્ટન્સી નો ધંધો કરે છે. તેમની છબી સ્વચ્છ અને સેવાભાવી વ્યક્તિ તરીકેની છે જેના કારણે તેમને ટિકિટ આપવામાં આવી છે. અને તેઓ કોરોનામાં સેવાભાવી પ્રવૃત્તિઓને કારણે ભીખુભાઈ ૧૦૮ થી ઓળખાય છે.સંગઠનમાં રુચિ ધરાવે છે . 35 વર્ષથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 2005માં કોંગ્રેસમાંથી પાલડી વૉર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા, જે બાદ તે 7 વર્ષ સુધી વોર્ડ પ્રમુખ રહ્યા હતા. ભીખુ દવે 2.5 વર્ષ શહેર મહામંત્રી રહી ચૂક્યા છે, ત્યારબાદ શહેરના ઉપપ્રમુખ અને ઝોનલ કોઓર્ડિનેટર પણ રહી ચૂક્યા છે અને 2016થી તે કોંગ્રેસમાં હોસ્પિટલ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. ખજુરાહો કાંડમાં પણ કોંગ્રેસે તેમને પ્રતિનિધિ તરીકે પક્ષ તરફથી મોકલ્યા હતા.હોસ્પિટલ સેવા માટે ચોવીસ કલાક ફોન ચાલુ હોય છે રોજના ૪૦ થી વધુ ફોન સેવા માટે આવે છે અને 2016થી સતત હોસ્પિટલ ક્ષેત્રે કાર્યરત છે. કોઈ પણ પક્ષ જોયા વિના માનવતા ધર્મથી સેવા આપે છે જે વ્યક્તિ પાસે પૈસા ન હોય તેમને વિના મૂલ્યે સારવાર કરવામાં પણ મદદ કરે છે. કોરોના કાળમાં પણ તેમનો સેવાયજ્ઞ ચાલુ જ રાખ્યો હતો.તેમના વૉર્ડમાં જરૂરિયાતમંદ દર્દી હોય તેને સારવાર માટે કમિટીને જણાવે છે. લોકોને એમ્બ્યુલન્સ, ઇન્જેક્શન, દવા સહિતની કોરોના કાળમાં સહાય કરી તેમની ટીમ સાથે ગ્રાઉન્ડ પર હતા. કોરોનામાં નાનાં બાળકોને સામાજિક સંસ્થા દ્વારા બિસ્કિટ, ચોકલેટ સહિતની વસ્તુઓ આપી હતી, જે કારણથી આજે પણ લોકો મજાકમાં તેમની પાસે ગોળી બિસ્કિટ પણ માંગે છે.એલિસબ્રિજ વિધાનસભા વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. એલિસબ્રિજ બેઠક પર બ્રાહ્મણ અને જૈન સમાજનો દબદબો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખુ દવે એ પણ અલગ તૈયારી કરી છે.
આ વખતે કોંગ્રેસે ફરી બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી છે, તેથી ભાજપ પણ ચાલુ ધારાસભ્ય રાકેશ શાહની ટિકિટ કાપીને બ્રાહ્મણ ઉમેદવારમાં જાગૃતિબેન પંડ્યાને ટિકિટ આપે તેવી પૂરી શક્યતા છે. કેમ કે જૈન સમાજ દ્વારા રાકેશ શાહ નો પત્ર લખી વિરોધ પણ કરવામાં આવ્યો છે ! જો ભાજપમાં પણ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ મળશે તો જંગ બરોબરની રહેશે. 2017માં ભાજપના ઉમેદવાર 85 હજારની લીડથી જીત્યા હતા.
એલિસબ્રિજ વિધાનસભામાં કુલ 2,64,000 મતદારો છે. મતકાર્ડમાં સૌથી વધુ 61,000 લોકો જૈન સમાજના છે, 40,000 બ્રાહ્મણ છે, 50,000 બક્ષીપંચ, 10,000 માઇનોરિટી, 32,000 દલિત અને 71,000 અન્ય મતદારો છે. 2017માં ભાજપમાંથી રાકેશ શાહ 85000 વોટની લીડ સાથે જીત્યા હતા, તો કોંગ્રેસના ઉમેદવાર વિજય દવે હારી ગયા હતા.ભલે ગઈ વખતે 85000ની લીડ હતી, પરંતુ આ વખતે મતદારો મને ઓળખશે, કેમ કે મેં હોસ્પિટલ કમિટીમાં રહીને દરેક વોર્ડ અને લોકોના ઘર સુધી સેવા આપી છે તેનો પણ મને ફાયદો થશે. મેં ભાજપ કે કોંગ્રેસ જોયા વિના હોસ્પિટલ માટે કામ કર્યું છે, મેં 3 વર્ષમાં સામાજિક સંસ્થા દ્વારા સામાન સેવાના કામે લોકોના ઘર સુધી પહોંચાડ્યો છે.હવે ટિકિટ મળ્યા બાદ ચૂંટણી કેવી રીતે લડવી તે અંગે તૈયારી શરૂ કરી દીધી છે . 4 મહિનાથી 90 ટકા તૈયારી કરી દીધી છે. આમ આદમી પાર્ટીના કારણે એલિસબ્રિજમાં કોંગ્રેસને નુકસાન નહીં થાય. જે લોકો ભાજપથી કંટાળ્યા છે તે કોંગ્રેસને મત આપશે . ઓફિસ શરૂ કરી જોરશોરમાં પ્રચાર પણ કરવામાં આવશે. સમયના અભાવે નાની શેરીમાં જ પગપાળા પ્રચાર કરીશું. અન્ય જગ્યાએ વાહન પર ફરીને જ પ્રચાર કરીશું.
ભીખુભાઈ દવેની કૉંગ્રેસ સફર
મૂળ વતન : સુરેન્દ્રનગર
અભ્યાસ : BSC
ધંધો : કન્સલ્ટન્સી
ઓળખ : ભીખુ દવે 108
વ્યક્તિત્વ : સેવાભાવી
શોખ : સંગઠન
* ૩૫ વર્ષથી કાર્યકર
* ૨૦૦૫માં પાલડી વોર્ડમાંથી કૉર્પોરેશન ચૂંટણી લડ્યા
* સાત વર્ષ સુધી વોર્ડ પ્રમુખ રહ્યા
* અઢી વર્ષ શહેર મહામંત્રી રહ્યા
* શહેર ઉપપ્રમુખ અને ઝોનલ કોઓર્ડીનેટર
* ૨૦૧૬થી કૉંગ્રેસ હોસ્પિટલ કમિટીના ચેરમેન
એલિસબ્રિજ વિધાનસભા જાતિગત મતદાર
જૈન : 61000
બ્રાહ્મણ : 40000
બક્ષીપંચ : 50000
દલિત : 32000
માયનોરિટી : 10000
અન્ય : 71000
કુલ મતદાર : 2.64 લાખ