પ્રિયંકા ગાંધી જૂનાગઢ અને સોમનાથમાં જાહેરસભા કરે તેવી વકી : ૨૭મી નવે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ અમદાવાદ આવશે
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પહેલી સભા કાલે બપોરે એક કલાકે જિ. સુરત મહુવાના અનાવલ ગામ પાસે પાંચ કાકડા ખાતે અને બીજી જાહેર સભા બપોરે 3 કલાકે રાજકોટનાં શાસ્ત્રી મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. તેમની સાથે રાજસ્થાનનાં મુખ્યંત્રી અશોક ગેહલોત , પ્રભારી રઘુ શર્મા , પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ જાહેર સભામાં જોડાઈ કૉંગ્રેસ નો પ્રચાર કરશે.અને જનતાને પક્ષની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ તા.૨૬ અને ૨૭ નવેમ્બરે અમદાવાદ આવશે અને ગાંધીનગરની મુલાકાત પણ લેશે.ઉપરાંત ૨૭ મી નવેમ્બરના રોજ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ અમદાવાદ આવશે તેમની સાથે રાજસ્થાનનાં મુખ્યંત્રી અશોક ગેહલોત પણ જોડાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. કૉંગ્રેસ રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીની ૨૬ અને ૨૭ મી નવેમ્બરના રોજ જૂનાગઢ અને સોમનાથમાં જાહેરસભા યોજાય તેવી ચર્ચા ચાલી રહી છે. સોમનાથના દર્શન પણ પ્રિયંકા કરશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહેલી ‘ભારત જોડો યાત્રા’નું નેતૃત્વ કરી રહ્યા છે. તે 20 નવેમ્બર એટલે કે આજે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. રાજસ્થાનના ધારાસભ્ય અને ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધીની રેલી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના રાજકોટ અને મહુવા પહોંચી જાહેર સભાઓને સંબોધશે .
આજે અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે ચોંકાવનારા પરિણામ આવશે. સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, કોરોનામાં ઘણા મૃત્યુ થયા અને આખું મંત્રીમંડળ બદલવું પડ્યું હતું, બોટાદ લઠ્ઠાકાંડમાં લોકો મૃત્યુ પામ્યા પણ કોઈ કાર્યવાહી ન થઈ. મોરબીમાં 135 લોકો મૃત્યુ પામ્યા તેમ છતાં આ સરકાર હાઈકોર્ટના રિટાયર્ડ જજ સાથે તપાસ નથી કરાવી શકતી. બેરોજગારી ખૂબ મોટો મુદ્દો છે અને સરકાર OPS પણ લાગુ નથી. અમે જે ગુજરાતમાં વચન આપ્યા છે તે પૂરા કરીશું. આ વખતે ખૂબ સારા ઉમેદવાર ઊભા રાખ્યા છે. સરકાર બનશે ત્યારે તમામ વચનો કોંગ્રેસ પૂરા કરશે. રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો મેસેજ મોંઘવારી, બેરોજગારી, પ્રેમ ભાવની રાજનીતિ છે. જે તમામ લોકો સુધી પહોંચી ગયો છે. અહેમદ પટેલ મુદ્દે અશોક ગેહલોતે અહેમદ પટેલ હતા ત્યારે એમને કોઈ ચિંતા ન હતી, હવે તેમની ખોટ પડી રહી છે. 125થી વધુ સીટો સાથે અમે સરકાર બનાવીશું. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વધુ સારું પ્રદર્શન કર્યું હતું, વિધાનસભાની 182 બેઠકોમાંથી 77 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 99 બેઠકો જીતી હતી.