અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ મંત્રી, ધારાસભ્ય અમરીંદરસિંહ રાજા બ્રાર એ પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી અહીં વારંવાર આવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે, પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે. આજ પ્રમાણે દિલ્હીની અંદર પણ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એમ કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદુષણ થાય છે અને અમે આ પ્રદુષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર ૬૮ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે ૨૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છે.
આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ૮૦ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી, હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. કાળી માતાના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો અને આજે આઈ.બી.ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ હુમલો કરવામાં આવે છે. દિલ્હીનો ગેંગસ્ટર લોરેન્સ બીશનોઈ તિહાડ જેલમાંથી ૨ હજાર ગુન્ડાઓના નેટવર્કથી આખુ ખંડણીનું ગેરકાયદેસર તંત્ર ચલાવી રહ્યો છે. આજ વ્યક્તિના માણસોએ સિઘુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં છેલ્લા ૨૧ દિવસમાં ૧૯ મર્ડર થયા છે. આજે હવે પંજાબમાં આઝાદીના નારા અને ખાલિસ્તાનના નારા પણ લગાવી રહ્યાં છે. મને પણ ઈન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ હતી તે રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આજે પંજાબના વેપારીઓને ગુંડાઓ કનડી રહ્યાં છે અને તેમની જાનની સુરક્ષા માટે તેઓ ૧૦ થી ૨૦ લાખની ખંડણી ચુકવી રહ્યાં છે. જે પ્રમાણે આ બધી બાબતો પર પંજાબ પોલીસ નિષ્ક્રીય છે એ જ રીતે કેન્દ્રીય એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે. “એ“ અને “બી” ટીમની આ મીલી ભગત દેશની સુરક્ષા માટે ખુબજ ખતરનાક છે.
પંજાબમાં ચૂંટણી ટાણે કેજરીવાલે જણાવ્યું હતું કે, ૧ એપ્રિલ પછી એકપણ ખેડૂત આત્મહત્યા નહી કરે પરંતુ છેલ્લા બે મહિનામાં ૨૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમણે મગદાળ ઉપર એમ.એસ.પી. આપવાની વાત કરી હતી પરંતુ ૮૩ ટકા મગ એમ.એસ.પી.થી નીચેના ભાવે ખેડૂતોને વેચવા પડયાં. પંજાબમાં મુખ્યમંત્રી આવાસ સહિત દરેક શહેરોમાં ખેડૂતો પોતાની માંગણી માટે ધરણા કરી રહ્યાં છે. ગુરુગ્રંથ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તેમના મંત્રી એમ કહી રહ્યાં છે કે ધાર્મિક બાબતો પર કઈ બોલી શકાય નહીં. ચૂંટણી દરમ્યાન એક દિકરીએ ટાંકી ઉપર ચઢીને પોતાની નોકરી કાયમી કરવા માટે વિરોધ નોંધાવેલ હતો તે દિકરીને આશ્વાસન આપવામાં આવેલ હતુ કે, કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરીને દરેકને નોકરી માટે કાયમી કરવામાં આવશે પરંતુ આજે ફરીથી એજ દિકરી પોતાની ન્યાયીક માંગણી માટે ટાંકી ઉપર ચઢીને વિરોધ નોંધાવી રહી છે. પંજાબથી નજીકના રાજ્યોમાં બાય ઈલેક્શન થયા ત્યા આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. કેજરીવાલે પંજાબમાં વચન આપ્યું હતું કે, ૧૮ વર્ષથી ઉંપરની દરેક બહેનોને માસિક રૂ. ૧૦૦૦ ભથ્થુ આપવામાં આવશે. આ વાત પણ એક જુમલો જ સાબિત થઈ. આમ આદમી પાર્ટીની છેલ્લા આઠ મહિનાની સરકારમાં એકપણ બહેનને રૂ. ૧૦૦૦ની સહાય આપવામાં આવેલ નથી. કોંગ્રેસની સરકાર દર મહિને ૨૦૦ યુનિટ અને બે મહિનાના બિલમાં ટોટલ ૪૦૦ યુનિટ ફ્રી આપતી હતી કે જેમાં સાત કિલો વોટ સુધીના મીટર કે જે પંજાબમાં ૯૫ ટકા લોકોને આવરી લે છે. તેમને યુનિટ દીઠ ત્રણ રૂપિયા સબસીડીનો લાભ મળતો હતો. હવે જ્યારે કેજરીવાલે માસિક ૩૦૦ યુનિટ મફત આપવાની વાત કરી છે તે માત્ર એવા લોકો માટે છે કે જેમનું બિલ ૩૦૦ યુનિટથી નીચે આવતુ હોય તેમને જ તેનો લાભ મળે છે. જો નક્કી કરેલ યુનિટથી વધારે બીલ આવે તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. જો ટેક્ષ બધા ચુકવતા હોય તો શા માટે લાભ દરેકને નહીં.
કેજરીવાલે ડ્રગ્સ બાબતે એમ કહ્યું હતું કે બે જ દિવસમાં અમે ડ્રગ્સની સમસ્યાનું સમાધાન કરી દઈશું. આજે પંજાબમાં નાના બાળકો પણ ડ્રગ્સ લઈ રહ્યાં છે અને ડ્રગ્સનો વેપાર ફુલ્યો ફાલ્યો છે. કોરોના કાળમાં દિલ્હીમાં જ્યારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્થ થઈ ગયું હતું ત્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી અને દિલ્હીથી કોરોનાના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા. આજે પંજાબમાં મહોલ્લા ક્લીનીકના નામે આરોગ્ય વ્યવસ્થાને સંપૂર્ણ મુશ્કેલીમાં મુકી દેવામાં આવી છે. ૧૦૦ જેટલા મહોલ્લા ક્લીનીકમાં ડોક્ટરો છોડીને જતા રહ્યાં છે. કોંગ્રેસ સરકાર વખતના ગ્રામ્ય દવાખાનાઓની સેવાઓ પણ કથળી રહી છે. કોંગ્રેસની સરકારમાં પંજાબ દિલ્હી કરતા પણ શિક્ષણમાં નંબર વન હતું. પરંતુ આજે શિક્ષણની પરિસ્થિતિ પણ વણસી રહી છે.
કેજરીવાલને તેમના વાયદાઓ માટે રૂપિયા ક્યાંથી લાવસો તે પુછવામાં આવ્યું હતું ત્યારે એમ કહ્યું હતું કે, ૨૦,૦૦૦ કરોડ તો હું માત્ર ખાણ વિભાગમાંથી જ લાવીને બતાવીશ. અત્યારે માઈનીંગથી એક પણ રૂપિયો સરકારને આવક થઈ નથી. ઉલટાનુ પંજાબ સરકારે ૧૨૦૦૦ કરોડનું વધારાનું દેવુ લેવુ પડ્યું છે. લગભગ રોજના બે કરોડ જાહેરાત માટે ખર્ચાય છે. કેજરીવાલની સિક્યુરીટી માટે પંજાબના ૯૦ સિક્યુરીટી ગાર્ડ ફાળવવામાં આવ્યાં છે. જ્યારે કેજરીવાલને વાય કક્ષાની સિક્યુરીટી પહેલાથી જ મળી રહી છે. જે મંત્રીને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પકડવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીએ વાહવાહી લીધી હતી તે જ મંત્રી પુરાવાના અભાવે જામીન મેળવીને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં દેખાઈ રહ્યો છે. શહિદ ભગતસિંહના નામે મત મેળવ્યા પરંતુ ભગતસિંહ મેમોરીયલના બીલો પણ ચૂકવાતા નથી અને કર્મચારીઓને પગાર પણ થતો નથી. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભગતસિંહ મેમોરીયલના બે લાખ રૂપિયાના બીલની ચુકવણીની જાહેર તૈયારી બતાવી ત્યારે ના છુટકે સરકારે તેનુ બીલ ભર્યું હતું. આજે પંજાબ સરકાર પાસે એક હેલિકોપ્ટર છે. સરકારને પગાર ચુકવવા અને પેન્શન કરવા માટે પણ લોન લેવી પડે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ એરક્રાફ્ટ લેવા માટે ટેન્ડર બહાર પડાયુ છે.
આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી વાતાવરણ છે, મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ગુજરાતની સાડા છ કરોડની જનતા ત્રસ્ત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે આમ આદમી પાર્ટી માત્રને માત્ર ભાજપને મદદ કરવા માટે ગુજરાતમાં કાર્ય કરી રહી છે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો સાચો ચહેરો દર્શાવવા હું પંજાબથી અહિં આવ્યો છું. અરવિંદ કેજરીવાલ ચિઠ્ઠીમાં કોંગ્રેસને આટલી સીટો મળશે તેવું લખીને ભ્રહ્મ ફેલાવી રહ્યાં છે પરંતુ ભાજપને કેટલી સીટો મળશે તે નથી લખતા તે જ સાબિત કરે છે કે આ “એ“ અને “બી” ટીમની સંયુક્ત મીલીભગત છે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી પાર્થીવરાજ કઠવાડીયા, રત્નાબેન વોરા, યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપીલ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.