ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠકો મેળવીને બહુમત હાંસલ કરી છે. હવે ભાજપનું મોવડી મંડળ નવી સરકાર રચવામાં જાેડાઈ ગયું છે. જાેકે, નવા મંત્રી મંડળમાં કોને સ્થાન આપવું તેની ગડમથલ પક્ષમાં ચાલી રહી છે. મોટાભાગના પ્રદેશોમાં ભગવો લહેરાયો છે અને પક્ષને સમાજના અગ્રેસર વર્ગોનું પીઠબળ મળ્યું છે. એવામાં ભાજપે મંત્રી પદ વહેંચતી વખતે યોગ્ય સંતુલન જાળવવું પડશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે એટલે ૧૨ ડિસેમ્બરે નવા મંત્રીઓ શપથ લેવાના છે.
વિધાનસભાના ૧૮૨ સભ્યોમાંથી કેબિનેટમાં ૨૭થી વધુ સભ્યો એટલે કે ૧૫ ટકાને જ સ્થાન મળી શકે તેમ છે. આ સભ્યોમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, નવા મંત્રી મંડળમાં પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ અગાઉની ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિજય રૂપાણીની સરકારોમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્યોનો સમન્વય કરવામાં આવશે. ‘નવા મંત્રીમંડળમાં ચારેય પ્રદેશોના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. પાટીદાર, ઓબીસી, દલિત, મહિલાઓ જેવા સમાજના મહત્વના વર્ગોના નેતાઓને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે, તેમ ભાજપના એક સીનિયર નેતાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. આ સિવાય હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, પૂર્ણેશ મોદી, જગદીશ વિશ્વકર્મા, મનીષ વકીલ, જીતુ ચૌધરી ગત સરકારમાં પણ મંત્રી પદે હતા અને હવે નવી સરકારના મંત્રીમંડળમાં પણ તેમના નામ ચર્ચાઈ રહ્યા છે. વિજય રૂપાણી સરકારના કેટલાક મંત્રીઓ જેવા કે, કુંવરજી બાળવિયા, જયેશ રાદડિયા, ગણપત વસાવા, પરશોત્તમ સોલંકી, કુમાર કાનાણી, શંભુજી તુંડિયા, મૂળુ બેરા સહિતના કેટલાક નામ ભાજપના વર્તુળમાં ચર્ચાઈ રહ્યા છે.
દલિત નેતા રમણલાલ વોરાનું નામ પણ સ્પીકર પદ માટે ચર્ચામાં હોવાનું સૂત્રોનું કહેવું છે. ઓબીસી આગેવાનો શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનું નામ પણ સંભવિત મંત્રીઓ તરીકે ચર્ચાઈ રહ્યું છે. જે લોકો અગાઉ ક્યારેય મંત્રી બન્યા નથી પરંતુ હવે નવા મંત્રીમંડળમાં સ્થાન પામી શકે તેવા ચહેરાઓમાં રિવાબા જાડેજા, અમિત ઠાકર, બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર, કાંતિલાલ અમૃતિયા, મૂળુ બેરા, કૌશિક વેકરિયા, પી.સી.બરાન્દા અને દર્શના દેશમુખના નામ વહેતા થયા છે.