તેમનું કહેવું છે કે જે કંપનીઓ પાસે વધુ દૂધ સપ્લાય કરવાની ક્ષમતા છે તેમને વર્ષ ૨૦૨૦માં વધુ પ્રોફિટ થશે. તેમણે જણાવ્યું હતું કે ડેરી કંપનીઓએ છેલ્લાં ત્રણ વર્ષમાં બે વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ કારણસર ડેરી ખેડૂતોની આવકમાં ૨૦૧૮ની તુલનાએ ૨૦થી ૨૫ ટકા વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-૨૦૧૯માં અમૂલે પોતાના દૂધના ભાવમાં પ્રતિલિટર રૂ. બે સુધીનો વધારો કર્યો હતો. એ જ રીતે મધર ડેરીએ પણ વિવિધ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિલિટર રૂ. ત્રણ સુધી વધારો કર્યો હતો. અમૂલે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેણે થેલીવાળા દૂધના ભાવમાં બે વખત ફેરફાર કર્યો છે. પશુઓના ઘાસચારાના ભાવ ૩૫ ટકા જેટલા વધી જતાં દૂધની કિંમતમાં વધારો થયો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમનના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત પર આર.એસ. સોઢીએ જણાવ્યું છે કે બજેટમાં ડેરી સેક્ટરને પ્રોત્સાહન આપતી કેટલીય જાહેરાતો કરાઇ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય દેશમાં દૂધના પ્રોસેસિંગના આંકડાને ૨૦૨૫ સુધીમાં ૫૩.૫ મિલિયન મેટ્રિક ટનથી બમણું કરીને ૧૦૮ મિલિયન મેટ્રિક ટન કરવાનું છે.
સોઢીના જણાવ્યા મુજબ આ માટે રૂ.૪૦ હજારથી રૂ.૫૦ હજાર કરોડના મૂડીરોકાણની જરૂર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે દૂધ સહિત કેટલીય પ્રોડક્ટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું સરળ બનાવવા માટે કૃષિ ઉડાન અને કિસાન રેલ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.