રાજકોટ
શહેરમાં સાવકા પુત્રના હાથે જ સાવકા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સાવકા પુત્ર દ્વારા સાવકા પિતાને ટુ વ્હીલર લઈ આપવાનું કહેતા પિતાએ ટુ વ્હીલર લઈ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ ઝઘડો થયો હતો. જેમાં માતા મધ્યસ્થી થતા સાવકા પિતા અને પુત્રને છૂટા પાડવામાં આવ્યા હતા.
જોકે આ ઘટનામાં રોષે ભરાયેલા નરાધમ પુત્ર દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકીને પોતાના જ સાવકા પિતાને ગંભીર પ્રકારે ઇજા પહોંચાડવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિતાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ બનાવની જો વિગતવાર વાત કરીએ તો, રાજકોટ શહેરના કટારીયા ચોકડી પાસે દેશી દવાનું કામકાજ કરનારા 40 વર્ષીય રાજેશ પાલ નામના વ્યક્તિને તેના જ 19 વર્ષીય સાવકા પુત્ર જોગિન્દર રામસુરૂપ દ્વારા બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા ગત સોમવારના રોજ રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત રાજેશ પાલને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 19 નવેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને લઈને મૃતકની 40 વર્ષીય પત્ની કમલેશ રાજપુત દ્વારા પોતાના જ સગા પુત્ર જોગિન્દર વિરુદ્ધ bns ની કલમ 103 (1) મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવતા પોલીસ દ્વારા ગુરુવારના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાવકા પિતા પુત્ર વચ્ચે બાઈક લેવા બાબતે બોલાચાલી થઈ હતી જે ઘટના હત્યામાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની પત્ની કમલેશ રાજપૂતે જણાવ્યું છે કે, તે મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાની વતની છે. 22 વર્ષ પૂર્વે તેના લગ્ન કિશન રામસુરૂપ નામના વ્યક્તિ સાથે થયા હતા. જેના થકી સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. સૌથી મોટા દીકરાનું નામ જોગિન્દર છે. છ વર્ષ પૂર્વે રાજેશ પાલ નામના વ્યક્તિ સાથે મારે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદથી અમે બંને રાજકોટ રહેવા આવતા રહ્યા હતા. રાજેશના મારી સાથે આ ત્રીજા લગ્ન છે. મારો દીકરો જોગિન્દર છેલ્લા દસ-બાર દિવસથી તેની પત્ની સાથે તેમજ દીકરા સાથે રાજકોટ રહેવા આવ્યો હતો.
સોમવારના રોજ જોગિન્દર તેની પત્ની અને તેના દીકરા સાથે અમારા ઘરે આવ્યો હતો. તેમજ મારા પતિ રાજેશ અને દીકરા જોગિન્દર વચ્ચે બાઈક લેવા બાબતે ઝઘડો થયો હતો. દીકરા જોગિન્દર દ્વારા પતિ રાજેશને બાઈક લઈ દેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંનેને છૂટા પાડીને સમજાવટ પણ કરવામાં આવી હતી. પરંતુ થોડીવાર બાદ મારા પતિ રાજેશ મને બૂમ પાડીને બોલાવવા લાગતા મેં જોયું કે મારા પતિ લોહીલુહાણ હાલતમાં પડેલા છે. તેમજ મારા પતિને શું થયું તેવું પૂછતા તેણે કહ્યું હતું કે જોગિન્દરે મને માથામાં મારેલું છે.