પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.
જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું ૧૭,૮૧૨ કામો પૂર્ણ થયા હતા. જેમાં ૨૦.૮૧ લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે ૨૪ હજાર ૪૧૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને G20 નું પ્રમુખપદ મળ્યું, તે એક ઐતિહાસિક ક્ષણ બની છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. આ દરમિયાન 22થી 24 જાન્યુઆરી સુધી બિઝનેસ 20 (B20) ની શરૂઆતની બેઠકોનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે. રાજ્યમાં વિવિધ સ્થળો. ગુજરાતમાં ધિરાણ, બેંકિંગ, વેપાર અને રોકાણ, ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને આબોહવા, પર્યટન અને મહિલા સશક્તિકરણને લગતી મહત્વપૂર્ણ G20 ઇવેન્ટ્સનું આયોજન કરશે.
ગુજરાતમાં G20 અંગેના સમયસરના અપડેટ અને જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ લાઇવ થઇ ગયા છે. તેમાં G20ના અપડેટ્સ સાથે અન્ય રસપ્રદ માહિતી તેમજ ગુજરાતની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ, વારસો અને ખાસિયતોને વિશ્વ સમક્ષ પ્રસ્તૂત કરવામાં આવશે અને અહીં પધારેલા ડેલિગેટ્સ પણ તેનાથી માહિતગાર થશે. અત્યાર સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માનનીય મુખ્યમંત્રી તેમજ નાણા મંત્રીના વીડિયો સંદેશ અને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામ: https://instagram.com/g20gujarat?igshid=YmMyMTA2M2Y=
ટ્વિટર: https://twitter.com/g20gujarat?s=11&t=fNVUC99Iezh4_X_NU05fDQ
ફેસબુક: https://www.facebook.com/G20Gujarat?mibextid=LQQJ4d
યુટ્યુબ: https://www.youtube.com/@G20_Gujarat
વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાત તરફથી બે વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરાઈ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા ૨ વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી જેમાં દાહોદ ખાતે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદ ખાતે ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુસ્તક “Exam Warrior”નું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં એક્ઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે.
રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ
ઋષિકેશ પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા ૨૧ હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. માર્ચ ર૦ર૦ થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. તા. ૩૦.૦૪.૨૦૨૨ સુધીમાં રાજયમાં લગભગ ૨૧ હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ ૨૦૨૨ દરમ્યાન નવા ૧૯૬૮ વર્ગખંડોનું બાંધકામ તથા ૩૯૯૦ વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.