ગુજરાતના યુવાનો હતાશ અને નિરાશ ન થાય, ફરી એક વાર કોંગ્રેસ તમારા માટે લડાઈ લડશે : અમિત ચાવડા
એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી.પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે
અમદાવાદ
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાનું પરંપરા રહી છે. એક – બે વાર નહિ ૨૦ કરતા વધારે વખત પેપર ફોડ્યા. આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી અને યુવાનોની સાથે મળી સંઘર્ષ કર્યો. જ્યારે ચુંટણી આવી હતી ત્યારે પણ વારંવાર કહ્યું હતું કે આ પેપરફોડ સરકારને ઘરભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો. જે પરીક્ષા જુનિયર ક્લાર્કની આજે યોજાવાની હતી. લગભગ ૧૦ લાખ ગુજરાતના યુવાનો પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યાં ફરી પેપર ફૂટ્યું ત્યારે આનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે ! જેની પાસે પૈસા હોય, લાગવગ હોય તેને જ ગુજરાતમાં નોકરી મળે, સામાન્ય ગુજરાતીના દીકરા – દીકરીઓને નોકરી ન મળે તેવું આ ભાજપ સરકારમાં છેલ્લા ૨૫ થી વધુ વર્ષથી ચાલે છે. મારી ગુજરાતના યુવાનોને વિનંતી છે કે આવો, ફરી એક વાર કોંગ્રેસ તમારી માટે લડવા માંગે છે, સાથે મળીને લડીએ. ખાલી એક પેપર કે એક પરીક્ષા માટે નહિ પણ ગુજરાતમાં કોઈ પણ પેપર ફોડવાની હિંમત ન કરે એવી એકતાનું દર્શન આપણે રસ્તા પર ઉતરી બતાવવું પડશે. આ સરકારની સાન ઠેકાણે લાવવી પડશે. યુવાનોને ગુજરાતમાં સરકાર બનાવવા માટે અપીલ કરી હતી. હવે આવો, યુવાનોને જવાબ આપો. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. કોણ જવાબદાર છે? એની તપાસ કરો. જે પણ જવાબદાર હોય તેને તાત્કાલિક જેલ ભેગા કરો. જે પણ મંત્રી – સરકારમાં બેઠેલાં જવાબદાર હોય તેના રાજીનામા લઈ ગુજરાતના યુવાનોને બતાવો તમે ખરેખર યુવાનોની ચિંતા કરો છો.
એક અખબારી યાદીમાં જણાવ્યું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ની જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠીંત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. ઉપરોકત પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર રાખવામા આવેલ હતી જેના પરિણામે ઉપરોકત ગુન્હો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ ૧૫ જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી ૧૦૦ દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.મંડળ ધ્વારા અત્યાર સુધી છેલ્લા ૦૫ વર્ષંમા ૨૧૦૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે ૪૧ જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૩૦ લાખ થી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પૂર્વક યોજેલ છે, અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદન પારદર્શક પધ્ધતિથી પસંદગી કરવામાં આવેલ છે. જેથી ઉપરોકત સંવર્ગ માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટીબધ્ધ છે.
જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવા બાબતે પ્રતિક્રિયા આપતા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ૯૩૫૦૦૦ લોકો આ મહેનત કરી પરીક્ષા આપવા પહોંચ્યા પરંતુ પેપર ફૂટવાના કારણે પરીક્ષા રદ કરવી પડી અને પાછા જવું પડ્યું આ ભાજપ સરકાર માટે શરમ જનક બાબત કેહવાય.ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું. પરીક્ષા મોકુફ થતા અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળ્યો . સરકાર જવબદારી સ્વીકારે અને માત્ર નિવેદનો નહીં પરંતુ પેપર લીકમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને થયેલ ખર્ચ નું વળતર સરકાર તરફથી આપવામાં આવે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ૨૭ વર્ષથી ચાલતી આ ભાજપ ની સરકાર માં લગભગ ૩૦ મી વખત આ પેપર ફૂટ્યું છે તેમાં ભાજપની મીલીભગત હોય એવા આક્ષેપ મેં ચૂંટણી સમયે પણ કર્યા હતા તો શું ભાજપ ની સરકારની સિસ્ટમ કરતા પણ પેપર ફોડનાર માણસોની સિસ્ટમ ઉચ્ચસ્તર ની હોય એવું લાગી રહ્યું છે. સરકારી નોકરી કરતા ઉમેદવારો વધુ છે ત્યારે કુટુંબોની આવક મેળવવા આ પરીક્ષા ખર્ચ કરી ને આપતા હોય છે અને એવામાં પેપર ફૂટવું એ દુર્ભાગ્ય ની બાબત કહેવાય .કૉંગ્રેસ પક્ષ વિદ્યાર્થીઓ સાથે જ છે અને આ લડતની સામે લડશે.
કૉંગ્રેસ નાં ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પેપર ફૂટવા અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ પેપર નથી ફૂટ્યું પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાગ્ય ફૂટ્યું છે . ભાજપની આ ભ્રષ્ટ સરકારમાં ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ એ ભ્રષ્ટાચાર થી ભરેલું છે એટલે ૨૦૧૪ પછી નજીકના ભૂતકાળમાં નવ અને કુલ ૩૧ જેટલા પેપરો આ ભાજપ સરકાર આવી ત્યાર થી ફૂટ્યા છે ભાજપ નાં લોકોને જરાય શરમ જ નથી . એટીએસ તપાસ કરી રહી છે તો શું આ એટીએસ નું કામ છે આ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ અને રાજ્ય સરકારના વહીવટી તંત્ર નું પેપર ન ફૂટે એ રોકવાનું કામ છે એટીએસ નું કામ આતંકવાદી પકડવાનું છે પેપર ફોડનાર કોણ છે એ વ્યક્તિનું નહિ .
ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્કની આજે પરિક્ષા પેપર ફુટવાની વધુ ઘટના સામે આવી. જે રાજયના સક્ષમ યુવાનોની ઉજ્જવળ કારકીર્દી ઉપર પ્રશ્ન મુકનારી અને રાજયના સરકારી તંત્ર અને સરકારની મનસાનો ભાંડો ફોડનારી છે.એટલે સતત બે ડઝન પેપર ફુટવાની ઘટનાઓ બને છે છતાં રાજય સરકાર કોઇ શીખ લેવાની તૈયારી ધરાવતી નથી.સક્ષમ યુવાનોના ભવિષ્ય ઉપર પ્રશ્ન ઉભા કરતી રાજય સરકાર માફીને લાયક નથી.