શહેઝાદ ખાન પઠાણ
પ્રોર્પટી ટેક્ષમાં વિવિધ દરોમાં વધારો તથા સુચવેલ નવો એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસ પરત લેવા કોંગ્રેસની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે બજેટ અંગે જણાવ્યું હતું કે મ્યુ.કમિ દ્વારા રજુ કરેલ સને ૨૦૨૩-૨૪ના વર્ષના રૂા. રૂા.૮૪૦૦,૦૦ કરોડનું બજેટ સ્ટે.કમિટી સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ છે તે બજેટનો અભ્યાસ કરતાં બજેટ અયોગ્ય અને પ્રજાનો ભોગ લેનાર બજેટ છે. બજેટ હમેંશા વાસ્તવિક અને પ્રજાલક્ષી હોવું જોઇએ માળખાકીય સુવિધાને પ્રાધાન્ય આપવું જોઇએ. શહેરના નાગરિકો કેન્દ્રસ્થાને હોવા જોઇએ કોરોના કાળમાં છેલ્લા ૩ વર્ષથી મ્યુનિ.કોર્પોની આર્થિક પરિસ્થિતિ ખરડવા પામેલ છે કમિશ્રનરે રજુ કરેલ બજેટમાં પ્રોર્પટી ટેક્ષમાં વિવિધ દરોમાં વધારા તેમજ નવો એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્ષ નાખવાની દરખાસ્ત રજુ કરેલ છે.અગાઉના વર્ષોના બજેટમાં શહેરીજનોને અમદાવાદ શહેરને થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઇન ધ વર્લ્ડ,ગ્રીન સીટી- કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીટી, ડસ્ટ ફ્રી સીટી, પોલ્યુશન ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સીટી, સ્વચ્છ અને સ્વસ્થ સીટી, કલીનએસ્ટ સીટી ઓફ ઇન્ડીયા જેવા ભારેખમ વચનો આપ્યા હતા. શહેરીજનોને આપેલા મોટા ભાગના વચનો પાળી શકાયા નથી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે કરકસરની વાતો પોકળ નીવડી છે નાગરિકોને સગવડ આપવાને બદલે અગવડમાં વધારો થતો જાય છે. દરેક ક્ષેત્રમાં નિરાશા, હાડમારી અને ગેરવ્યવસ્થાથી લોકો ત્રાહીમામ થઇ ગયાં છે ત્યારે પ્રોર્પટી ટેક્ષમાં વધારો કઇ રીતે વ્યાજબી છે ?
અમદાવાદના નગરજનોને અ. મ્યુ. કોર્પો. દ્વારા શહેરના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેકસ વસુલ કરવામાં આવે છે. તેમજ હાલમાં નાના-મોટાં સમગ વ્યાપારમાં મંદી ચાલી રહી છે. મોંધવારીએ માઝા મુકી છે ત્યારે લોકો પોતાના પરિવારના ભરણ પોષણ તથા આર્થિક પરિસ્થિતિ અંગે મુશ્કેલી ભોગવી રહયાં છે. તેમજ ઘણા લોકો નબળી નાણાંકીય પરિસ્થિતિના કારણે પણ આપઘાતના કિસ્સા પણ બનવા પામેલ છે. ત્યારે પ્રોર્પટી ટેક્ષમાં વધારો કરવાને કારણે પાછલા બારણે સુચવેલ અસહય વધારો પ્રજા માટે કમરતોડ બની જવા પામશે. સાથે સાથે ગત ચોમાસા દરમ્યાન સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાઇ જવાને અંદાજે રૂા.૧૦૦૦ કરોડનું નુકશાન પ્રજાને થવા પામેલ હતું જેથી પ્રજાને સહાયભુત થવા કોઇ પણ જાતની સહાય કે વળતર પ્રજાને આપેલ નથી છતાં પ્રજા પર પ્રોર્પટી ટેક્ષમાં વધારો કરવો એ અમાનવીય કૃત્ય છે એક તરફ સત્તાધારી ભાજપ ડબલ એન્જીન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ એક એન્જીન ચલાવવા પ્રજાનો ભોગ લેવાય તે કેટલે અંશે વ્યાજબી છે ? આગામી ૨૦૨૩-૨૪ના વર્ષના બજેટમાં પ્રોર્પટી ટેક્ષના સુચવેલ વધારો કરવો અયોગ્ય હોઇ તેમજ વર્તમાન પરિસ્થિતિમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા અપાતી સુવિધાની સરખામણીમાં વધુ પડતા હોઇ નગરજનો તે બોજો ખમી શકે તેમ નથી . છેલ્લા દસ વર્ષમાં મ્યુ.કોર્પોના સત્તાધારી ભાજપ દ્વારા સામાન્ય ટેશના ૩૦% કોન્ઝર્વન્સી ટેક્ષ, ૩૦% વોટર ટેક્ષ તથા ૩૦ % એજયુકેશન ટેક્ષ એમ કુલ ૯૦% એટલે કે ટેક્ષની રકમમાં ડબલ જેટલો કમરતોડ વધારો તેમજ વેકન્ટ લેન્ડ ટેક્ષ નામનો નવો ટેક્ષ નાખેલ ૨૦૧૩-૧૪માં પ્રોર્પટી ટેક્ષમાં રહેઠાણમાં ૬૦% અને કોર્મશયલમાં ૩૦% વધારો કરવામાં આવેલ હતો ત્યારબાદ યુઝર ચાર્જીસના નામે ટેક્ષમાં વધારો કરેલ હતો પછી જંત્રી આધારિત ટેલના પરિબળમાં પણ વધારો કરેલ હતો હજુ તાજેતરમાં નામ ટ્રાન્સફર ફીના દરમાં પણ વધારો કરેલ હતો આમ યેનકેન પ્રકારે પ્રોર્પટી ટેક્ષમાં વધારો સમયાંતરે કરવામાં આવેલ છે.ખરેખર પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય આપવું જોઇએ ખરેખર તો આવક મેળવવા માટે પ્રોર્પટી ટેક્ષની બાકી કરોડો રૂા. ની વસુલાત માટે નક્કર કામગીરી કરવી જોઇએ તેમજ ઓકટ્રોયના વિકલ્પ પેટે અપાતી ગ્રાન્ટમાં ઓછી આપેલ ગ્રાન્ટ રાજ્ય સરકારે આપેલ ખાત્રી મુજબની ૧૫ % ગ્રોથ સાથેની પુરેપુરી ગ્રાન્ટ મેળવવા માટે ભાજપ દ્વારા કહેવાતી ડબલ એન્જીન વાળી રાજ્ય સરકારને ભારપૂર્વક જણાવીને ફરજ પાડવી જોઇએ તેની જગ્યાએ ટેક્ષમાં વધારો કરી મ્યુ. તંત્ર તથા સત્તાધારી પક્ષ માત્ર પ્રજા પર ભારણ નાખી શહેરનો વિકાસ રુંધવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.
પ્રોર્પટી ટેક્ષમાં વિવિધ દરોમાં વધારો તથા સુચવેલ નવો એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસ અસહય હોઇ આ વધારો કોઇ પણ રીતે પ્રજા ખમી શકે તેમ નથી તેથી પ્રોર્પટી ટેક્ષમાં વધારા બાબતે માનવીય અને પ્રજાલક્ષી અભિગમ અપનાવી પ્રોર્પટી ટેક્ષમાં વિવિધ દરોમાં વધારો તથા સુચવેલ નવો એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસ પરત લેવા કોંગ્રેસની માંગણી છે. અમારી માંગણી નહી સ્વિકારવામાં આવશે તો કોંગ્રેસ આ બાબતનો ઉગ્ર રીતે વિરોધ કરશે તેની સંર્પૂણ જવાબદારી સત્તાધારી પક્ષની રહેશે.