ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યભરમાંથી આવેલા ગૌ-સેવકો અને પાંજરાપોળ સંચાલકોએ વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ‘ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણે ત્યાં 200 વર્ષથી વધુ સમયથી મહાજનો-શ્રેષ્ઠીઓ પોતાના ભંડોળ-ફંડમાંથી પાંજરાપોળ-ગૌશાળાના સંચાલન કરીને ઉત્તમ જીવદયા દ્રષ્ટાંત પુરૂં પાડી રહ્યા છે.’ ત્યારે આ દરમિયાન ભાજપના પૂર્વ MLA નારાયણ પટેલે સરકાર અને અધિકારીઓ પર કેટલાક સવાલો કર્યા હતા. નારાયણ પટેલે અધિકારીઓ પશુદીઠ સબસિડી ન ચૂકવતા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નોટબંધી અને GSTના કારણે ગૌશાળામાં ફાળો ઓછો મળી રહ્યો છે. તેમજ ફાળા સ્વરૂપે રોકડ રકમ પણ મળવાની બંધ થઈ ગઈ છે. આથી નારાયણ પટેલે સબસિડી આપવાની માગ કરી હતી. જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે નારાયણકાકા તમારી તો 25-50 કરોડની કેપેસિટી છે. નારાયણ પટેલે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વર્ષ 2018માં કમિટી બનાવી જેમાં 10 મુદ્દા લીધા હતા. પરંતુ હજુ સુધી એક પણ મુદ્દાનો નિકાલ નથી આવ્યો. અમે બધા સબસીડીની વાત લઇને આવ્યા છીએ. છ રાજ્યોમાં સબસીડી છે ત્યારે ગુજરાતમાં પણ સબસીડી મળે તેવી માંગણી છે.