અમદાવાદ
DITP-મુંબઈ, GCCI અને ઈન્ડો થાઈ ચેમ્બર ઓફ MSME” દ્વારા થાઈલેન્ડ અને ગુજરાત વચ્ચે વ્યાપાર અને ઉદ્યોગને વેગ આપવાના આશયથી સંયુક્ત રીતે YMCA ઇન્ટરનેશનલ સેન્ટર, અમદાવાદ ખાતે તારીખ 22 અને 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ થાઈલેન્ડ વીક રોડ શો – 2023″ નું આયોજન કરવામાં આવેલ છે.આ રોડ શોનું ઉંદ્ઘાટન 22મી ફેબ્રુઆરી, 2023 ના રોજ YMCA, એસ જી હાઈવે, અમદાવાદ ખાતે થાઈલેન્ડના ભારત ખાતેના રાજદૂત મિસ.પટ્ટારટ હોંગટોંગે, GCCI પ્રમુખ પથિક પટવારી, ખાસ મહેમાન તેમજ પરાગ તેજુરા, પ્રમુખ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ, રાજકોટ અને રાજન નાયર, પ્રમુખ એક્ઝિમ ક્લબ, વડોદરાની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિમાં કર્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે બોલતા GCCI પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું કે આવા રોડ શો લોકોને અન્ય રાષ્ટ્ર ના ઉત્પાદનો અને સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે અને અન્ય દેશો સાથે વેપાર સંબંધો સ્થાપિત કરવા માટે અસંખ્ય તકો પણ પુરી પાડે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ને પ્રોત્સાહન આપવા માટે આવા પ્રદર્શનો વિવિધ શહેરોમાં યોજવા જોઈએ. GCCI હંમેશા વિદેશી વ્યાપાર માટે અન્ય દેશોના પ્રતિનિધિ મંડળ તેમજ સ્થાનિક વેપાર અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનવા પ્રયત્નશીલ રહે છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ને સરળ બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા ઉત્સુક રહે છે. તેમણે ગુજરાતની 13 થી વધુ સંસ્થાઓ અને એસોસિએશનનો આ અંગે 828 મીટિંગ્સ માટે સહકાર આપવા માટે આભાર માન્યો હતો તેમજ અન્ય 15 સંસ્થાઓ ની પણ તેઓના આ મેગા ઇવેન્ટ અંગે સહકાર માટે ખાસ નોંધ લીધી હતી.
રોડ શોનું ઉદ્ઘાટન કરતા થાઈલેન્ડના ભારત ખાતેના રાજદૂત સુશ્રી પટ્ટારટ હોંગટોંગે જણાવ્યું હતું કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે હંમેશા મજબૂત વ્યાપાર તેમજ ઉદ્યોગ ના સંબંધો રહ્યા છે. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે આયોજિત થાઇલેન્ડ રોડ શો આપણા બે દેશો વચ્ચેના આ સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેઓએ થાઈલેન્ડ ખાતે ઉપસ્થિત વ્યાપાર અને ઉદ્યોગ સંબંધિત અનેકવિધ તકો વિષે વાત કરી હતી. તેઓએ GCCI અને અન્ય સંસ્થાઓને તેમના સમર્થન માટે અભિનંદન પાઠવ્યા હતા.થાઈલેન્ડના વિવિધ પ્રદેશોમાં થી કુલ 40 જેટલા પ્રતિનિધિઓએ આ “થાઈલેન્ડ વીક રોડ શો 2023” પ્રદર્શનમાં ભાગ લીધેલ છે, જેમાં ખાદ્ય અને પીણાં, જ્વેલરી, ઘરગથ્થુ જરૂરિયાતની સામગ્રી, પાલતુ પ્રાણીઓની સંભાળ માટેની સામગ્રી તેમજ ખાદ્ય ઉત્પાદન, સૌંદર્ય પ્રસાધનો જેવા અલગ અલગ ઉત્પાદન ક્ષેત્રનો સમાવેશ થાય છે. સાથે સાથે જાણીતી થાઈ ફૂડ ચેઇન દ્વારા ફ્રેન્ચાઈઝી ઓફર કરવામાં પણ આવી રહી છે.રોડ શોના ભાગરૂપે થાઈલેન્ડના પ્રખ્યાત શેફ દ્વારા ‘કુકિંગ શો’નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં થાઈલેન્ડની વિવિધ શુદ્ધ શાકાહારી વાનગીઓ નું નિદર્શન કરવામાં આવશે. સાથે સાથે થાઈલેન્ડના પ્રખ્યાત ફોક ડાન્સ નું પણ આયોજન થયેલ છે.”થાઇલેન્ડ વીક રોડ શો 2023″ પ્રદર્શન મુલાકાતીઓ માટે સવારે 10:00 થી સાંજે 6:30 સુધી ખુલ્લું રહેશે. આ ઉપરાંત 25- 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ સુરતમાં પણ આવો થાઇલેન્ડ રોડ શો યોજાવા જઈ રહેલ છે.