ઇરાનના ચાબહાર બંદર ખાતેથી નિકળી બે દિવસ બાદ પાકિસ્તાનના પશની બંદરથી ૬૧ કિ.ગ્રા. માદક પદાર્થનો જથ્થો બોટમાં ચડાવેલ અને ભારત-પાકિસ્તાન IMBL નજીક, ભારતની જળસીમામાં ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર દરિયામાં ડીલીવરી આપવાના હતા
ગુજરાત પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાય
ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.પટેલને બાતમી મળેલ તેનો અને સમગ્ર ટીમનો ડીજીપી વિકાસ સહાયે આ ઓપરેશન સફળ બનાવવા માટે આભાર માન્યો
અમદાવાદ
ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં 190 નોટિકલ માઇલ્સ (340 કિમી) ખાતે પહોંચી, બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. એમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે ઘટનાની વિગત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.પટેલને બાતમી મળેલ કે, “ઇરાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ઇરાનના ચાબહાર બંદરેથી ભારત પાકિસ્તાન IMBL નજીક ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર ભારતીય જળસીમામાં ઇરાની બોટમાં આવવાનો છે અને ઉત્તર ભારતના ઓર્ગનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક સાથે સંકળાયેલ ઇસમોને મોકલવામાં આવનાર છે.” જે બાતમી હકિકત આધારે એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રન તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષક સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ, એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના નેતૃત્વ હેઠળ પો.ઇન્સ.વી. એન. વાઘેલા અને પો.સ.ઇ. વાય. જી. ગુર્જરની ટીમ ઓખા ખાતે રવાના કરવામાં આવી હતી. તેઓએ ઓખા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડના ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહી ગત તા. ૦૬/૦૩/૨૦૨૩ના રાત્રીના સમયે ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ પાંચ ઇરાની ઇસમો નામે મોહસિન અયુબ બલોચ , અસગર રિયાજ બલોચ , ખુદાબક્ષ હાજીહાલ બલોચ ,રહિમબક્ષ મૌલાબક્ષ બલોચ , મુસ્તફા આદમ બલોચ તેમજ તેમના કબ્જામાં રહેલ ૬૧ કિ.ગ્રા. જેટલો માદક પદાર્થનો અંદાજીત કિંમત રૂ. ૪૨૭ કરોડનો જથ્થો તથા આ ઇરાની બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આ માદક પદાર્થનો જથ્થો ઇરાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચી નામના વ્યક્તિએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સ નો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી ઉત્તરભારતમાં ક્યાંક પહોંચાડવાનો હતો. વધુમાં, આ બોટ તથા સ્મગ્લરો તા. ૦૨/૦૩/૨૦૨૩ના રોજ ઇરાનના ચાબહાર બંદર ખાતેથી નિકળેલ હતા તથા બે દિવસ બાદ પાકિસ્તાનના પશની બંદરથી ૬૧ કિ.ગ્રા. માદક પદાર્થનો જથ્થો બોટમાં ચડાવેલ અને ભારત-પાકિસ્તાન IMBL નજીક, ભારતની જળસીમામાં ઓખાથી આશરે ૧૮૫ નોટીકલ માઇલ દૂર દરિયામાં ડીલીવરી આપવાના હતા જે દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. તથા ભારતીય કોસ્ટગાર્ડના ઓપરેશન દરમ્યાન પકડાઇ ગયા હતા. સને ૨૦૨૩નું ગુજરાત એ.ટી.એસ. અને ભારતીય કોસ્ટગાર્ડનું આ પ્રથમ સંયુક્ત ઓપરેશન હતું. વર્ષ ૨૦૨૨ દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. દ્વારા માદક પદાર્થો અંગે કુલ ૮ મોટા કેસ કરવામાં આવેલ જેમાં ભારતીય કોસ્ટગાર્ડ સાથેના ૫ સંયુક્ત ઓપરેશમાં કુલ ૩૮૭.૯૯૪ કિ.ગ્રા. હેરોઇન કિં. રૂ. ૧૯૩૯.૯૭ કરોડનું પકડી પાડવામાં આવેલ. તેમજ અન્ય એજન્સીઓ જેવી કે ડી.આર.આઇ., એન.સી.બી દિલ્હી, ક્રાઇમ બ્રાંચ દિલ્હી વિ. સાથેના સંયુક ઓપરેશનો કરી ગુજરાત એ.ટી.એસ. દ્વારા કુલ ૪૨૪.૧૬૫ કિ.ગ્રા. હેરોઇન, કિં. રૂ. ૨૧૨૦.૮૫ કરોડનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.