ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયા કિનારાની સાથેસાથે ચેરના વૃક્ષોનો વિસ્તારમાં પણ અગ્રસ્થાન ધરાવે છે.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં દરિયાકિનારે ચેરના વૃક્ષોના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. તા. 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 885 હેક્ટર તેમજ અબડાસા તાલુકામાં 600 હેક્ટર એમ કુલ 1,485 હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર છે.રાજ્ય સરકાર દ્વારા આ માટે ₹.229 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
વન મંત્રી શ્રી બેરાએ ગૃહમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચેરના વાવેતરને નુકસાન પહોંચાડનાર કંપનીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ નુકસાન સામે કાર્યવાહી કરવા માટે વન વિભાગ, કંડલા પોર્ટ ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા કલેકટરની સંયુક્ત રીતે કમિટી બનાવવામાં આવી છે. કંપનીઓ દ્વારા ધંધા, વેપાર અર્થે ચેરના વાવેતરને કાઢી નાખવા- નુકસાન બદલ છેલ્લા બે વર્ષમાં કુલ સાત ફરિયાદો મળી હતી જેમાં પાંચ ફરિયાદની વિગતવાર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરિયાદો સામે હાલમાં તપાસ ચાલુ છે તેમ મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.