આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગરિમામય હાજરીમાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિક અને પોલીસકર્મીની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. તથા પોલીસકર્મી તેમના પરિવારજનો સાથે સારી સગવડથી રહી શકે તેવા આવાસનું નિર્માણ કરાયું છે. હર્ષ સંઘવીએ પોલીસની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે, પોલીસ એટલે શું તે સમજવું હોય તો નજીકથી એમના જીવનને નિહાળવું જરૂરી છે. આજે કોઈપણ આપત્તિ સમયે સૌથી પહેલાં તમારા દ્વારે પહોંચે તે પોલીસ. તેમણે કહ્યું કે, હમણાં જ લેવાયેલ જુનિયર કલાર્કની પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ યોગ્ય સમયે સ્થળ પર પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસે પણ ઉત્તમ કામગીરી કરી છે.ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.12.80 લાખના ખર્ચે પોલીસ આવાસોનું તથા રૂ. 2.61 લાખના ખર્ચે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. નવનિર્મિત ધોળકા પોલીસ આવાસ આશરે 7855.856 ચો. મી જેટલી જગ્યામાં નિર્માણ પામ્યું છે તથા નવનિર્મિત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન 1504.512 ચો.મી. જેટલી જગ્યામાં નિર્માણ પામ્યું છે.અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા 45 દિવસમાં પારદર્શકતાથી 500થી વધારે જમીનોની પેન્ડિંગ ફાઈલોને તટસ્થ રીતે ક્લીઅર કરવાની કામગીરી કરી છે.
કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, હાર્દિક પટેલ, કાળુભાઇ ડાભી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા અમદાવાદ રેન્જ આઈ.જી. વી. ચંન્દ્રશેખર, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા તથા જિલ્લાના રાજકીય પદાધિકારી, પોલીસ અધિકારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.