ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી જ્યારે પણ હવે રાજ્યમાં ગમે ત્યાં દારૂ-જૂગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવશે તો સ્થાનિક પોલીસ તેમાં કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરી શકે. આવા કેસની તપાસ મોનિટરિંગ સેલ તરફથી જ કરવામાં આવશે. બુટલેગર અને સંચાલકો સાથે સ્થાનિક પોલીસની કોઈ મિલી ભગત તો નથીને એ માટેની તમામ પ્રકારની તપાસ હવે આ સેલ તરફથી જ કરવામાં આવશે. પોલીસ મહાનિરિક્ષક નરસિમ્હા કોમરે તમામ શહેરના પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપીને પરિપત્ર લખીને આ નિર્ણય અંગે જણાવ્યું હતું.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ તેમના વિસ્તારમાં ક્યાંય પણ સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી દારૂ-જૂગારની રેડ પાડવામાં આવશે તે કેસમાં ડૉક્યુમેન્ટ સ્ટેટમોનિટરિંગ સેલમાં મોકલવાના રહેશે. દરોડા દરમિયાન સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી કે અધિકારીઓના કેસની તપાસ પણ આ વિભાગ કરશે. હવેથી દારૂ-જૂગારના દરોડાની તપાસ આ વિભાગ જ કરશે. મોનિટરિંગ સેલ દારૂ-જૂગારનો કેસ ઉકેલીને મુદ્દામાલ તથા આરોપીઓને જે-તે શહેર કે જિલ્લાની પોલીસને સોંપી દેતા હતા. જોકે, બુટલેગર સાથે જે-તે પોલીસકર્મીના મીઠા સંબંધોને કારણે પોલીસ સપ્લાયર તથા ઉત્પાદક સુધી પહોંચી જતી પણ એટલી ઝડપથી એમને પકડવાની કોઈ કાર્યવાહી થતી નહીં.
આમ પોલીસને મૂળ ખબર હોવા છતાં પણ કોઈ પગલાં ભરાતા ન હતા. છેલ્લા અઢી વર્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂ-જુગારના અડ્ડા પર 100 જેટલા દરોડા પાડવામાં આવ્યા છે. આવા દરોડાના કેસમાં ડીજીપી તરફથી 60 જેટલા પીઆઈ તથા પીએસઆઈને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા કચ્છ જિલ્લામાંથી પણ એક દારૂ સાથે ડાન્સની મહેફિલનો એક લગ્નપ્રસંગનો વીડિયો વાયરલ થયો હતો. જે સામે આવ્યા બાદ દારૂબંધીની અમલવારીના લીરેલીરા ઉડી ગયા હતા. પોલીસે તાત્કાલિક એક્શન લઈને કાર્યવાહી કરી હતી.