ક્યારેક બાઈક પર સ્ટંટ કરવું યુવાનોને મોતના મોઢામાં ધકેલી શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં યુવાનો બાઈક પર સ્ટંટ કરી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા પડધરી રાજકોટ હાઈવે પર આ યુવાનો બાઈક પર રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે સ્ટંટ કરતા અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનોનાં મોત થયા છે. જોકે, રાજકોટ પોલીસને આ ઘટના અંગે જાણ ન હોવાની વિગત જાણવા મળી હતી. પોલીસે આ વીડિયો પરથી યોગ્ય દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો જામનગર રોડના નામે વાયરલ થયો હતો. આ બનાવ બે દિવસ પહેલા પડધરી રાજકોટ હાઈવે પર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવાનો જીવના જોખમે પડધરી-રાજકોટ હાઈવે પર ટ્રાફિકમાં સ્ટંટ કરી રહ્યા છે. પુરપાટ વેગે ચાલતી બાઈક અંદરોઅંદર અથડાતા આ અકસ્માત થયો હતો. આ વીડિયો પાછળ આવતી કોઈ કારમાંથી રેકોર્ડ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. એક બાઈક ચાલક સૂતા સૂતા બાઈક ચલાવે છે. ત્યાર બાદ બેઠા થતી વખતે આ ચાલક બીજા બાઈક ચાલક સાથે અથડાઈ રહ્યો છે. સ્પીડમાં દોડતી બાઈકની આ રીતે ટક્કર થતા રસ્તા પર જ લોહી વહેવા લાગ્યું હતું. બાઈક ચાલકને ચહેરા અને માથાના ભાગે ઈજા પહોંચી છે
આ પ્રકારના અકસ્માતની કોઈ નોંધ પડધરી કે રાજકોટ પોલીસના ચોપડે થઈ નથી. રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે, આ વીડિયો અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ વીડિયો તાજેતરનો છે કે જૂનો છે એ અંગે પણ કોઈ ખાતરી થઈ શકી નથી.