ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે: ફરિયાદી પક્ષના વકીલ
અમદાવાદ
નરોડા ગામ હત્યા કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. જેમાં માયા કોડનાની, બાબુ બજરંગી સહિતના લોકો નિર્દોષ જાહેર કરાયા છે.તેમાં સ્પે. કોર્ટના જજ એસ.કે બક્ષીએ ચુકાદો સંભળાવ્યો છે.
ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદના નરોડા ગામમાં હત્યાકાંડ થયો હતો. એમાં આજે ગુરુવારે સ્પેશિયલ કોર્ટ 21 વર્ષ બાદ ચૂકાદો આપ્યો છે. માયા કોડનાની, બાબુ બજરંગી અને જયદીપ પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.નરોડા નરસંહાર મામલે આરોપીઓ નિર્દોષ જાહેર કરતા ખુશીનો માહોલ સર્જાયો હતો.
માયા કોડનાનીના એડવોકેટ અમિત પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 21 વર્ષની આ કેસ માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો. આજે માયાબેન કોડનાનીને આમાં નિર્દોષ જાહેર કર્યા છે. અમારા તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે નરોડા પાટિયા કેસમાં બનાવ બન્યો ત્યારે માયાબેન ત્યાં હાજર હતા કે નહીં તેની કોઈ પૂરતા પુરાવા નથી. આ સાથે જ તેમના હાજર હોવાની કે બીજા કોઈ સાબિતી ફરિયાદ પક્ષ પણ રજૂ કર્યું શકી નથી. તમામ વિગતો અને પુરાવાને ધ્યાનમાં રાખીને માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
બચાવ પક્ષના વકીલ રાજેશ મોદીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ઘણા વર્ષોથી તમામ આરોપીઓને નિર્દોષ થોડી મૂકવામાં આવ્યા છે ત્યારે એક ખુશી જોવા મળે છે. અમારા તરફથી છેલ્લા ઘણા વર્ષોથી જ સુનાવણી ચાલતી હતી સમય દરમિયાન અમારા તરફથી બધા જ પુરાવાઓ, સાક્ષીઓ, કેસને લગતી તમામ વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી ખોટા આરોપ લગાવવામાં આવતા હતા. સાક્ષીઓ સાથે જ છેડછાડ કરવામાં આવી હતી આ સાથે જ સાક્ષીઓને ગેરમાર્ગે પણ દોરવામાં આવી રહ્યા હતા. જે તમામ બાબતો કોર્ટને ધ્યાનમાં રાખવામાં આવી હતી. આજે બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમારા તરફેણમાં ફેસલો સંભળાવીને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
ફરિયાદી પક્ષના વકીલ શમશાદ ખાને જણાવ્યું હતું કે, કોર્ટના ચૂકાદાને તેઓ ઉપલી કોર્ટમાં પડકારશે. તેઓએ ચૂકાદા પર સવાલ ઉભા કરતા જણાવ્યું હતું કે આ ચૂકાદા બાદ નરોડા હત્યાકાંડના પીડિતો પૂછી રહ્યા છે કે આખરે તે હત્યાકાંડ પાછળ કોનો હાથ હતો. કોર્ટ પાસે પણ તેનો જવાબ નથી અને કોર્ટના જજમેન્ટમાં પણ નથી. કોર્ટે ફક્ત બે લીટીમાં ચૂકાદો આપ્યો છે ત્યારે એ જોવાનું રહ્યું કે ચૂકાદો કઈ દલીલોના આધારે આપવમાં આવ્યો છે.ચૂકાદા પહેલાથી જ અમદાવાદ ભદ્ર કોર્ટની બહાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવામાં આવ્યો હતો. પોલીસ એન્ટ્રી કર્યા બાદ જ કોર્ટ કેમ્સમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસનો ચૂકાદો 21 વર્ષ 41 દિવસ બાદ આવ્યો છે.
તત્કાલીન સિટી સિવિલ અને સેશન્સ જજ તથા SIT કોર્ટના સ્પેશિયલ જજ એસ.એચ.વોરા, જેઓ અત્યારે હાઇકોર્ટના જજ છે. તેમણે તમામ આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ચાર્જ ફરમાવ્યો હતો. આ ઘટના વખતે નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI વી.બી. ગોહિલની પણ આરોપી નં. 56 તરીકે ધરપકડ થઈ હતી. તેમણે કોર્ટ સમક્ષ ટ્રાયલ ફેસ કરી હતી. તેમની સામે IPC કલમ 217 અને 218 અંતર્ગત ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.આ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી, જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર IPC કલમ 149, 302, 436, 153(A), 435, 436, 307 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તબક્કાવાર અન્ય 50 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આમ, કુલ 70થી વધુ આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.