દેશમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે સુપ્રીમ કોર્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવાયું છે કે, હાલ જે મહત્વના અને જરૂરી કેસ છે તેના પર જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે લીધેલા આ નિર્ણયને ધ્યાને રાખી કોરોના વાયરસની મહામારી પર એક્શન લેતા કેસ સંબંધિત વકીલોને જ હાજર રહેવું અન્ય લોકોને કોર્ટ રૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ સંખ્યા 81 પહોંચી ગઈ છે. જેમાંથી 64 ભારતીય અને 16 ઈટલી તથા એક કેનેડાનો નાગિરક છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા પ્રકોપના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ પણ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. સમગ્ર દુનિયામાં 1,26,273 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 3,169 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. અને 80,796 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે, ચીનમાં નવા કન્ફર્મ કેસોની સંખ્યામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં લેતાં ચીને 16 અસ્થાયી હોસ્પિટલો બંધ કરી દીધી છે.
ચીનની બહાર કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલી અને ઈરાનમાં જોવા મળ્યો છે. ઈટાલીમાં કોરોના વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાથી મોતની બાબતમાં ઈટાલી બીજા ક્રમે અને ઈરાન ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઈટાલીમાં કુલ 12,462 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
એ જ રીતે ઈરાનમાં કોરોનાના કારણે 354 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈરાનમાં 9,000 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે 2,959 લોકોને સારવાર પછી રજા અપાઈ ચૂકી છે. ઈરાનમાં કોરોનાના કારણે મોતના વધતા આંકડાને જોતાં 70 હજાર કેદીઓને અસૃથાયી રીતે છોડી મુકાયા છે. દરમિયાન કોરોના વાઇરસના પ્રકોપના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગભરાઈ ગયા છે. તેમણે આગામી એક મહિના સુધી યુરોપના બધા જ પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
હમણાં કેટલાક સપ્તાહ પહેલાં સુધી કોરોના વાઇરસની હાંસી ઊડાવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરૂવારે ઓવલ ઓફિસમાંથી ખૂબ જ શાંત સ્વરે કોરોના વાઇરસની ગંભીરતા અંગે અમેરિકન નાગરિકોને ચેતવણી આપી અને નવા નિયમોની જાહેરાત કરી હતી. વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાંથી રાષ્ટ્રને અપાયેલા એક સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે નવા નિયમો શુક્રવારથી લાગુ થશે. અમેરિકાના 30 રાજ્યોમાં કોરોના વાઈરસ પ્રસરી ગયો છે. અમેરિકાના અનેક રાજ્યોએ ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકાયો છે, પ્રવાસો અટકાવી દેવાયા છે, કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા કહેવાયું છે. સ્કૂલો-કોલેજો બંધ કરી દેવાઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના પ્રવાસ પર અનેક આકરા નિયમોની જાહેરાત કરતાં યુરોપીયન યુનિયન ધુંધવાઈ ઊઠયું હતું. તેણે તુરંત ટ્રમ્પના ‘એકપક્ષી’ નિર્ણયોની ઝાટકણી કાઢતા કહ્યું કે કોરોના વાઇરસ વૈશ્વિક કટોકટી છે. તે એક ખંડ પુરતી મર્યાદિત નથી. આ બીમારીનો સામનો કરવા માટે એકપક્ષી પગલાંના બદલે સહકારની જરૂર છે. સમગ્ર વિશ્વના 110થી વધુ દેશોમાં 1,26,000થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે. કોરોનાથી સંક્રમિત મોટાભાગના કેસો મુખ્યત્વે ચાર દેશો – ચીન, દક્ષિણ કોરિયા, ઈટાલી અને ઈરાનમાં નોંધાયા છે. યુરોપમાં કોરોનાના એપી સેન્ટર એવા ઈટાલીમાં રેસ્ટોરાં, કાફે અને રિટેલ શોપ્સ ગુરૂવારથી બંધ રાખવા આદેશ કરાયો છે.