રખિયાલ મ્યુનિસિપલ ઉર્દુ માધ્યમિક શાળાના
પ્રિન્સિપાલ ફારુક શેખ
પ્રિન્સિપાલ ફારુક શેખે પોલીસના તમામ કર્માચારીઓની સરાહનીય કામગીરી બદલ રખિયાલ પોલીસ સ્ટેશનને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો
અમદાવાદ
રખિયાલ મ્યુનિસિપલ ઉર્દુ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ ફારુક શેખે જણાવ્યું હતું કે રખિયાલ મ્યુનિસિપલ ઉર્દુ માધ્યમિક શાળાની વિદ્યાર્થીની બહેનોને રમજાન માસના પ્રારંભથી અજાણ્યા બાઈક સવારો અને એક્ટીવા સવારો દ્વારા છેડતી કરવામાં આવતી હતી. જેને લઇને અરજીઓ બાદ રખીયાલ પોલીસની she ટીમ દ્વારા અથાગ પ્રયત્નો બાદ ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બનાવની વિગત વિશે વધુ માહિતી આપતા ફારુક શેખે જણાવ્યું હતું કે રમઝાન માસમાં સવારે શાળા શરૂ થવાના સમયે વિદ્યાર્થીની બહેનો બાઈક સવારો અને એક્ટીવા સવારો દ્વારા છેડતીથી ખૂબ જ પરેશાન હતી. વિદ્યાર્થીઓની છેડતી અંગે મને જાણ થતાં અમદાવાદ પોલીસ કમિશ્નર , રખિયાલ પોલીસ સ્ટેશન , ટ્રાફિક પોલીસના વડા સમક્ષ અરજી કરી હતી.જે સંદર્ભે રખિયાલ પોલીસ સ્ટેશનની શી-ટીમના પોલીસ કોન્સ્ટેબલ નગમાબેન અને અન્ય મહિલા કોન્સ્ટેબલ સવારે ૬:૦૦ વાગ્યે આવી શાળાની આસપાસ વોચ ગોઠવી પંદર દિવસ સુધી ખુબ જ મહેનત કરી અસામાજિક તત્વો ને પકડી વિદ્યાર્થીની બહેનોને ખુબજ રાહત અપાવી હતી. નગમાબેને અસામાજિક તત્વો છેડતી કરનારા છોકરાઓની પાછળ દોડી મરછી માર્કેટ પાસે આવેલ પોળોમાં પ્રવેશી ગુનેગારોને પકડ્યા હતાં.આમ પોલીસ કોન્સટેબલ નગમાબેન, મીરાબેન સેજલબેન તેમજ પી.એસ.આઈ એ. જે.કોટવાલ વિજયભાઈ અને આસીફભાઈ અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરી વિદ્યાર્થીની બહેનોને છેડતીના ત્રાસમાંથી મુક્ત કરાવી અસામાજિક તત્વો ને પકડી પાડયા હતા.પ્રિન્સિપાલ ફારુક શેખે વિદ્યાર્થીનીઓની મદદ કરનાર એવી સેવાભાવી ફરજ બજાવતા અમદાવાદ પોલીસના તમામ કર્માચારીઓની સરાહનીય કામગીરી બદલ રખિયાલ પોલીસ સ્ટેશનને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો હતો.