તાજેતરમાં રાજયનાં મુખ્યમંત્રીએ રાજકોટનાં અદ્યતન અને એસ.ટી. બસપોર્ટનું ઉદઘાટન કર્યુ હતું. પરંતુ હજુ સુધી આ નવું બસ સ્ટેન્ડ અમુક અધુરા કામોનાં કારણે કાર્યરત થઈ શકયુ નથી. આજની તારીખે પણ ડેવલપર્સ દ્વારા બસ સ્ટેન્ડમાં હજુ કામ ચાલી રહ્યુ છે. ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગે હવે કંટાળીને બસ સ્ટેન્ડનાં આ ડેવલપર્સને નોટીસ ફટકારી તાકીદે બાકીનું કામ પૂર્ણ કરવા અને બસ સ્ટેન્ડ રાજકોટ એસટી વિભાગને સોંપી દેવા સુચના આપી છે.
આ અંગે રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક યોગેશ પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, હોળી-ધૂળેટી પૂર્ણ થઈ જવા છતા ડેવલપર્સ દ્વારા નવા એસટી બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ કરાયુ નથી. આથી રાજકોટ એસ.ટી. વિભાગે બાકીનું કામ તાત્કાલીક પૂર્ણ કરવા અને તા.25 માર્ચ સુધીમાં નવું બસ સ્ટેન્ડ રાજકોટ એસટી વિભાગને સોંપી દેવા ડેવલપર્સને નોટીસ ફટકારી તાકીદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા બસ સ્ટેન્ડમાં 14 પ્લેટફોર્મનું કામ પુરૂ થયું છે. અને હાલમાં પરચુરણ કામ ચાલુ છે.
દરમ્યાન વિભાગીય નિયામક શ્રી પટેલે વધુમાં જણાવેલ હતું કે, ભાવનગર રોડ ખાતેનાં સેટેલાઈટ બસ સ્ટેશનનું કામ હવે એકાદ બે દિવસની અંદર જ શરૂ કરી દેવાશે. આ બસ સ્ટેન્ડનું કામ એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે.