મોરબીની ચીફ જયુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગઈકાલે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે મુદતે હાજર રહેલા આરોપીને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજૂઆત માટે ઉપસ્થિત રહેવા જજે કહ્યું હતું. ત્યારે ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ કોર્ટમાં ઉભા થઇને જજની સાથે અભદ્ર વર્તન કરીને અશોભનીય કહેવાય તેવા શબ્દોનો પ્રયાગો કર્યો હતો. આટલું જ નહિ, આરોપીએ કોર્ટમાં વકીલનો કાંઠલો પકડીને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બનાવના વિરોધમાં આજે મોરબી જિલ્લા બાર એસો.ના સભ્યો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા છે. તેમજ આ આરોપી વકીલ તરીકે મોરબી બાર એસોસિયેશનના કોઈ સભ્ય નહિ રોકી શકે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.
ગઈકાલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી. ત્યારે કોર્ટમાં હાજર રહેલા આરોપી મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકીને પોતાના વકીલ મારફતે અદાલત સમક્ષ રજુઆત માટે જજે કહ્યું હતું. ત્યાર બાદ અદાલતની અન્ય ન્યાયિક કાર્યવાહી ચાલી રહી તે સમયે આરોપી મુળજીભાઇ દેવજીભાઇ સોલંકી અદાલતની કાર્યવાહીમા ઉભા થઈ “તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો? અને પૈસા લઈને તમે માણસાઇ મુકી દીધી છે. કુદરત નહી છોડે હુ તને ખોટા કેસોમાં ફસાવી દઈશ, તમામ જજ કુતરા છે….’’ તેમ કહી અદાલતમાં ઉપસ્થિત પક્ષકારોની હાજરીમાં, સ્ટાફની હાજરીમાં અદાલતની કાર્યવાહીમાં ઇરાદાપુર્વક વિક્ષેપ કર્યા હતા.
તેમજ આરોપીએ ‘હું તને જોઇ લઈશ…’ તેવી ધમકી આપી હતી અને ઇરાદાપૂર્વક પ્રીસાઇડીંગ ઓફિસરનું તથા કોર્ટનુ અપમાન કર્યું હતું. આવું કહ્યા બાદ આરોપી કોર્ટમાં પડી ગયો હતો. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારે અદાલત પરિસરમા પ્રેક્ટિસ કરતા સિનીયર વકીલ એમ.આર.ઓઝાનો પણ કાંઠલો પકડી. ફડાકો મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગની બી ડિવીઝનમાં કોર્ટના ઈન્ચાર્જ રજીસ્ટ્રર અહેમદ હુસેન ઈસાભાઈ માલવત ફરિયાદ નોંધાવી છે અને આ બનાવના વિરોધમાં આજે મોરબી બાર એસોના વકીલો કોર્ટની કાર્યવાહીથી અલ્પિત રહ્યાં છે અને આરોપી મુળજીભાઈ સોલંકીના વકીલ તરીકે મોરબી બારના એકપણ વકીલ રોકાશે નહિ તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે.