ગાંધીનગરના વલાદ ખાતે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખિલ ભારતીય શિક્ષણ સંઘના ૨૯માં વાર્ષિક અધિવેશનનો શુભારંભ કરાવ્યો હતો. “ભારત મે પરિવર્તનકારી શિક્ષણ કે કેન્દ્ર મે શિક્ષક” વિષય પર યોજાયેલા આ અધિવેશનનો સમાપન સમારોહ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા તેમજ પ્રખર કથાકાર મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
“શિક્ષક કોઈ દિવસ સાધારણ ન હોઈ શકે” તેમ કહેતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજના ઉત્થાન માટે શિક્ષક અને શિક્ષણનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. એક શિક્ષક પ્રાથમિક શાળાના બાળકોના મગજમાં શિક્ષારૂપી જે બીજ રોપે છે તે બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બને છે.એક શિક્ષકના હાથમાં જ માનવમૂલ્ય અને વ્યક્તિનો વિકાસ થતો હોવાથી સમાજની સૌથી મોટી એવી રાષ્ટ્રનિર્માણની જવાબદારી પણ શિક્ષકોની છે.
મંત્રી શ્રી પાનસેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણને મજબૂત કરવા શિક્ષકોની ભૂમિકા સૌથી અગત્યની હોય છે એટલે જ શિક્ષકો અને શાળાના પ્રશ્નો માટે ગુજરાતનો શિક્ષણ વિભાગ હરહંમેશ સક્રિય થઈ કામ કરી રહ્યો છે. આ બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શિક્ષણ જગતનું સૌથી મહત્વપૂર્ણ અધિવેશન પૂરવાર થશે. આ બે દિવસ દરમિયાન અધિવેશનમાં થયેલા ચિંતન-મનનના પરિણામે શિક્ષણ જગતમાં રહેલી ત્રુટીઓ દૂર થતા શિક્ષણ ક્ષેત્રે આમોલ પરિવર્તન આવશે. વધુમાં, દેશ સહિત ગુજરાતના શિક્ષણ સ્તરને વધુમાં વધુ ઊંચાઈ સુધી લઈ જવા મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ અને સદસ્યોને મોરારી બાપુએ આશીર્વચન આપ્યા હતા. જ્યારે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ડો. રામચંદ્ર ડબાસે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય પ્રાથમિક સંઘના પ્રમુખ શ્રી રામપાલસિંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ,એજયુકેશન ઇન્ટરનેશનલ સંસ્થાના જનરલ સેકરેટરી શ્રી ડેવિડ એડવર્ડ તથા એશિયા પેસિફિકના ચીફ કો. ઓર્ડીનેટર શ્રી આનંદ સિંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી શ્રી કમલાકાન્ત ત્રિપાઠી, ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી, રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રીશ્રી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા શૈક્ષણિક સંઘના પ્રતિનિધિઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.