સુરત શહેરમાં કોરોનાની દહેશતના પગલે લોક જાગૃતિ તેમજ તકેદારીને લઇને તંત્ર દ્વારા સજ્જડ કામગીરી કરવામાં આવી રહી છે. તો લોકોમાં પણ કોરોનાની દહેશતને લઇને માસ્ક પહેરવાની જાગૃતિ આવી રહી છે. કોરોનાની દહેશતને પગલે હિરાનગર સુરતમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં વિશ્વભરમાં માસ્કની તંગી છે ત્યારે સુરતમાં માસ્ક ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે. એહીં સ્થાનિક વેપારીઓ માસ્ક તૈયાર કરી રહ્યા છે. જેઓને પ્રતિદિવસ ચાલીસથી પંચાસ હજાર માસ્કના ઓર્ડર મળી રહ્યા છે. માસ્કની માગ વધવાના કારણે માસ્ક બનાવતા વેપારીઓ દ્વારા બે શિફ્ટમાં કામ કરવામાં આવી રહ્યુ છે.
માસ્ક તૈયાર કરવાની સાથે સુરતમાં વિવિધ ખાનગી તેમજ મનપા સંચાલિત શાળા કોરોનાને લઇને તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યુ છે. જેમાં શાળાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે મનપા સંચાલિત શાળામાં માસ્ક્નું વિતરણ પણ કરવામાં આવ્યુ છે. તો સુરતમાં કોરોનાની દહેશતના પગલે લોક જાગૃતિ અર્થે તંત્ર દ્વારા શહેરના માર્ગો પર હોડિગ્સ લગાવાયા છે. જેમાં લોકોને કોરોનાથી કંઇ રીતે બચી શકાય તેના સૂચનો કરવામાં આવ્યા છે.
સુરતમાં શહેરમાં હાલ કોરોનાની દહેશત છે. સુરત મનપાએ કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ તમામ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. બાયોમેટ્રિક હાજરી પણ 31 માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવી છે. તમામ બુકીંગ કરાયેલ કોમ્યુનિટી હોલની ડિપોઝીટ રકમ પરત કરવામાં આવી છે. તો હિરાનગરી સુરતમાં રત્ન કલાકારો પણ હાલમાં માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે જે દર્શાવે છે કે લોકોમાં કોરોનાની દહેશતના પગલે જાગૃતિ પણ આવી છે.