કાર્યકરો કે હોદેદારો વાહનમાં હોદો લખાવી સીનસપાટા નહીં કરી શકે, હથિયાર સાથે રાખવાની પણ મનાઈ ઃ ભાજપ પ્રમુખ
રાજકોટમાં બુધવારે રાત્રીના પોતાને શહેર ભાજપના મંત્રી ગણાવતા કરણ સોરઠીયાએ જાહેરમાં ફાયરિંગ કરતાં હોબાળો મચી ગયો હતો. શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં આ પ્રકારની હરકતને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ત્યારે આ મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારો પોતાના વાહનમાં હોદો નહીં લખાવી શકે.શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ગઇકાલે સાંજે કડક સૂચના આપી છે. સાથે જ હથિયારો પણ સાથે રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આજકાલ સાથેની વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે, હથિયારો બતાવી રૂઆબ કરવો પક્ષ માટે અયોગ્ય છે. તેનાથી પક્ષની છબી પણ ખરડાઈ છે અને તેને લઇને જ હવેથી કોઈ પણ કાર્યકર કે હોદેદાર પોતાના વાહનમાં હોદો લખે નહીં તેવી સૂચના આપવામાં આવી છે. ધારાસભ્ય, સાંસદ સહિતનાને આ નિયમ લાગુ પડતો નથી પણ પક્ષનો કાર્યકર હોય, વોર્ડનો પ્રમુખ હોય તો તેમને આ નિયમ લાગુ પડશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારે રાત્રિના શહેરમાં હતા અને બીજી બાજુ તે જ સમયે ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં પોતાને શહેર ભાજપના મંત્રી ગણાવતા કરણ સોરઠીયાએ જાહેરમાં ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઇ હતી. સોરઠિયાવાડી સર્કલ નજીક ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા જાહેર શૌચાલય તેની કર્મચારી બંધ કરી રહ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠિયાનો પુત્ર તથા શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં ધસી ગયો હતો અને આ શૌચાલય મારા બાપે બનાવ્યું છે, શા માટે બંધ કરી દીધું તેમ કહી કર્મચારીની ધોલાઈ શરૂ કરી હતી. શૌચાલયના કર્મચારીને મારી રહેલા કરણ સોરઠિયાને બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજ ચાવડા અને દેવરાજ સોનારાએ ટપારતા કરણ સોરઠિયા ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ભડાકા થતાં એ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી ભાજપ અગ્રણી કરણ સોરઠિયાને સકંજામાં લીધો હતો. પોલીસે આરોપીનું પરવાનાવાળું હથિયાર પણ કબજે કર્યું હતું. સાથે જ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવક પીધેલી હાલતમાં હતો અને પોલીસે પ્રોહિબિશનનો ગુન્હો પણ દાખલ દાખલ કર્યો છે.