ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અમિત નાયક
અધ્યાપકોની ખાલી જગ્યાઓ ઉપર ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરી શિક્ષણના સ્તરને સુધારવાનો સમય આવી ગયો છેઃ ડૉ. અમિત નાયક
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના સૌથી વધારે સુશિક્ષીત એવા NET, SLET, Ph.D લાયકાત ધરાવતા ગુજરાતના બેરોજગાર યુવાઓના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ પોતાના ન્યાયીક અને વ્યાજબી પ્રશ્નોની રજુઆત કરી હતી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા વતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ અને પ્રવક્તાશ્રી અમિત નાયકે તેમનું આવેદનપત્ર સ્વિકાર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજ અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો રાફડો ફુટી નિકળ્યો છે. ધોરણ-૧૨ પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજની ખુબજ ઓછી ઉપલબ્ધતા છે. આ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં મહિલા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે અને બાકીના ઉમેદવારોને ખુબ જ ઓછી ફીમાં શિક્ષણ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત “બિન-સરકારી અનુદાનિત કોલેજો માં અધ્યાપક સહાયક ભરતી-૨૦૨૦” હેઠળ તા. ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ “ઈન્ટરવ્યુ પ્રકિયા સંદર્ભે ઉમેદવાર અંગેની માર્ગદર્શિકા” જાહેર કરાયેલ હતી જેમાં અનુક્રમ નંબર ૧૨ [ઈન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારો પૈકી લઘુતમ ૦૧ ઉમેદવાર હાજર રહેશે તો પણ ઉમેદવાર નું ઈન્ટરવ્યુ માટેનું કોરમ પૂરું થયેલ ગણાશે.] માં દર્શાવેલ મુદા નું ચુસ્તપણે પણે પાલન કરાયું હતુ પરંતુ તેના અનુસંધાને અનુક્રમ નંબર ૧૩ [જો ઉમેદવારનું અથવા ઈન્ટરવ્યુ સમિતિનું લઘુતમ કોરમ પૂરું નહી થાય તો જે તે કેટેગરી –વિષયના તમામ ઈન્ટરવ્યુ પુરા થઈ ગયા બાદ તેનું પુન:ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.] માં દર્શાવેલ મુદા નું પાલન કરાયેલ નથી. આમ ગુજરાતમાં પ્રાઈવેટ યુનિવર્સિટી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને આડકતરી રીતે ફાયદો કરાવવા બિન-સરકારી અનુદાનિત કોલેજોમાં ભરતી પૂર્ણ કરવામાં આવી નથી અને આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજુઆતો કરેલ છે. ઉમેદવારોએ વડાપ્રધાનને પણ રજુઆત કરેલ છે, મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરેલ છે, રાજ્યપાલશ્રીને રજુઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષશ્રી મહોદયને પણ રજુઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે.આ અંગે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી તરફથી નિમેશ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર નો ઓનલાઈન પોર્ટલ પર જવાબ મળેલ છે કે હાલમાં ૧૩ જગ્યાઓ માટે ૫૧ ઉમેદવારના ઇન્ટરવ્યૂ બાકી છે જે પૂર્ણ થવા ને આરે છે જે પૂર્ણ થતા ઇન્ટરવ્યુનો બીજો રાઉન્ડ શરૂ કરવો કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે. હવે જ્યારે ભરતીના ગાઈડ લાઈનમાં નિયમ જ છે તો નિયમનું પાલન કરવાનું હોય ના કે કટાક્ષ શબ્દો નો પ્રયોગ જેમકે “બીજો રાઉન્ડ શરૂ કરવો કે કેમ” અર્થાત, સરકારશ્રી અંતર્ગત શિક્ષણ વિભાગના જ લખેલા નિયમનું પાલન સરકાર ન કરી શકે અથવા કરાવી શકે આ ગુજરાતની કેવી સ્થિતિ!હકીકતમાં બી.એડ ની ૧૩ જગ્યાઓ ના ૫૧ ઇન્ટરવ્યૂ અંગે ઓનલાઇન વેબસાઈટ પર કોઈ જ અપડેટ નથી એટલે આમ વાસ્તવિક સચોટ જવાબો આપવાને બદલે ઉમેદવારોને ગુમરાહ કરાઈ રહ્યાં છે.આજે એકતરફ ગુજરાતની ખ્યાતનામ કોલેજો અધ્યાપકો વિના ટળવળી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે અમને અધ્યાપકોની તાતી જરૂરીયાત છે અને જલ્દીથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો, ત્યારે નવા સત્રમાં નવી શિક્ષણ નીતિનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યની કોલેજો પ્રોફેસર વિનાની છે અને વિદ્યાર્થીઓને સારા શિક્ષણથી વંચિત હોવાથી મોંઘીદાટ ફી ભરીને સેલ્ફ ફાઈનાન્સ અને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં એડમીશન લઈ રહ્યાં છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું હતું કે, હાલ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો બે હાથ ફેલાવી ભારતના બુધ્ધિધન ને જોબ ઓફર કરી રહ્યા છે અને તમામ સુવિધાઓની ઓફર કરે છે ત્યારે ભારત જેવા દેશ અને ખાસ કરી ગુજરાત રાજ્યના NET, SLET, Ph.D જેવી સર્વોત્તમ લાયકાત ધરાવનાર ઉમેદવારો કે જેઓ આપણા ભવિષ્યને સારુ શિક્ષણ આપવા સક્ષમ છે તેને ગુજરાત સરકારે સામેથી ઓફર કરવાની હોય તેમને માંગવાની પરિસ્થિતિ આવે તે ગુજરાત અને દેશની કમનસીબી કહેવાય. “ભણશે ગુજરાત”, “રમશે ગુજરાત” જેવા સ્લોગનની જાહેરાત માત્ર થી ગુજરાતની શિક્ષણ નીતિ નહિ સુધરે પણ ખરા અર્થમાં ઉપરોક્ત અધ્યાપકોની ખાલી જગ્યાઓ ઉપર ઝડપી ભરતી પ્રક્રિયા હાથ ધરી શિક્ષણના સ્તરને સુધારવાનો સમય આવી ગયો છે નહિ તો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી જેમ હજારો શિક્ષિત યુવાનો રોજગાર અને ભવિષ્યની ચિંતા માટે દેશ અન્ય દેશો તરફ ઉડાન ભરે છે તેમા દિન-પ્રતિદિન વધારો થશે તે દિવસ દુર નથી. ઉપરોક્ત માંગણી ને ગુજરાત સરકાર ઘટતુ નહિ કરે તો આવનાર દિવસોમાં ગુજરાત કોંગ્રેસ ઉપરોક્ત ઉમેદવારો આ હક્ક અને અધિકાર માટે આંદોલન કરતા પણ અચકાશે નહિ.