બિપરજૉયના કારણે ગુજરાતમાં શરૂ થયેલી તારાજી વચ્ચે ગઈ કાલે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકામાં કહ્યું હતું કે ‘એ કોઈ ન ભૂલે કે સાઇક્લોન કંઈ મનોરંજન કે કુતૂહલ નથી કે કોઈ એ જોવા માટે ઘરની બહાર નીકળે. બહાર શું ચાલે છે એની માહિતી માટે અમે છીએ, અમે ઘરે લોકોને ઇન્ફર્મેશન પહોંચાડીશું, પણ ત્યાં સુધી લોકો ઓછામાં ઓછા ૨૪ કલાક પોતાના ઘરમાં રહે.’હર્ષ સંઘવીને ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ કલાકમાં જિલ્લામાં ૭૦૦ જેટલા વીજપોલ પડ્યા છે, એ જ દેખાડે છે કે પવનની તાકાત કેવી હશે અને આ તો હજી શરૂઆત છે. વહેલી સવાર સુધી એની તાકાત હજી વધે એવી વાત છે ત્યારે થોડી ધીરજ વધારે રાખીએ.’