‘બિપરજોય વાવાઝોડા’ના અસરગ્રસ્ત કચ્છ વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો
અમદાવાદ
ગુજરાતમાં ત્રાટકેલા ‘બિપરજોય વાવાઝોડા’ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે આટલી મોટી કુદરતી આફતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનો પ્રકોપ થઈ રહ્યો છે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રાજ્યમાં ખુબ નુકશાન થયું છે ત્યારે આ કુદરતી આફતના સમયે કોંગ્રેસનો એક-એક કાર્યકરો – આગેવાનો સાથે મળીને તંત્રની સાથે ખભેથી ખભો મીલાવીને જ્યાં પણ વ્યક્તિગત રીતે જરૂર પડતી હોય ત્યાં વ્યવસ્થાતંત્રને મદદરૂપ બનશે. ફ્રુડ પેકેટ અને જમવાની વ્યવસ્થા સહિતની કામગીરીમાં કોંગ્રેસ કાર્યકર-આગેવાન-હોદ્દેદારો જોડાયા છે. રાજ્યમાં કુદરતી આપદાની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ખુબ મોટા પાયે ખેડૂતો, માછીમારો,નાના વ્યાપારીઓ, માલધારીઓ અને લોકોના જાનમાલને નુકશાન થયેલું છે. આ કુદરતી આપદાને રાષ્ટ્રીય આપદા તરીકે તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈનું સત્વરે પાલન કરવામાં આવે, આ કપરા સમયમાં સરકાર ઉદાર હાથે આર્થિક સહાય કરે, જેથી કરીને ખેડૂત, નાનાં વ્યાપારીઓ સહિત જેમને નુકસાન થયું છે તેમનાં ધંધા-રોજગારનું જલ્દીથી પુનઃસ્થાપિત કરી શકાય. કેટલાય ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે, કેટલાય વિસ્તાર સંપર્ક વિહોણા થાય છે ત્યાં સરકારી તંત્ર સત્વરે પહોંચી કામગીરી કરે તેવી માંગ કરી હતી. તમામ અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે કાર્યકરો-આગેવાનોને હાંકલ કરી હતી.કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાશ્રી અમીત ચાવડાએ જણાવ્યું છે. આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છીએ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે આ વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ સ્થાપિત થાય તે આવશ્યક છે વીજ પુરવઠો ખોરવાવાને કારણે શુધ્ધ પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને જયાં ટેન્કરો દ્વારા પાણીના પહોંચાડવામાં સમય લાગે એમ હોય ત્યાં જનરેટર દ્વારા વિજળી પુરી પાડવી જરુરી છે. આ સિવાય સામાન્ય માણસોની ઘરો, ઝુંપડાઓ અને રોજગાર સ્થાનોને નુકશાન થયું છે તે લોકોને તાત્કાલિક પુન:વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે.રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી રૂત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, જીલ્લા પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા અને જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાશ્રી વી.કે. હુંબલ સહિતના તમામ હોદ્દેદારો – પદાધિકારીઓએ અરસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કચ્છ કલેકટરને મળીને વિવિધ સુચનો કર્યા હતા.