ઠેર ઠેર બે રોકટોક ચાલતાં સ્પામાં હવે ગોરખધંધાની સાથે હનિટ્રેપ થતાં હોવાના બનાવો સામે આવતા રહે છે. આવો જ બનાવ સુરતમાં બન્યો છે. IT સોફ્ટવેર એન્જિનિયરને સ્પામાં સારી સુવિધા આપવાની લાલચે બોલાવીને બાદમાં મહિલા સાથે બેસાડ્યો હતો.
બાદમાં ટોળકીના સાગરિતો દ્વારા પ્રી પ્લાન પ્રમાણે પોલીસની ઓળખ આપવાની સાથે સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી 10.13 લાખ રૂપિયા પડાવવામાં આવ્યાં હતાં. સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં એક આરોપી ની ધરપકડ પણ કરી છે.
પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવકના છેલ્લા આઠેક મહિનાથી આઈટીના પ્રોજેક્ટમાં મોબાઈલ એપ તથા ગૂગલ ક્લાઉડ એમેઝોન ક્લાઉડના સોફ્ટરવેરનુ કામ કરે છે. જેને ગત તારીખ 9 ના રોજ હનિટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો.
સ્પામાં સારી એવી ફેસિલિટી મળશે તેમ કહીને અલથાણ VIP રોડ પર આવેલા આશિર્વાદ એવન્યુ વાળી ગલીમાં એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. જ્યાં શરૂઆતમાં યુવકને રૂમમાં મહિલા સાથે બેસાડાયો હતો. બાદમાં ટોળકીના સાગરિતો પોલીસ બની અંદર ત્રાટકી દરોડા પાડ્યાં હતાં. યુવકને માર મારી પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી અને મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 10.13 લાખ રૂપિયા પડાવ્યાં હતાં.
આ ઘટના અંગે પોલીસ સ્ટેશન કહતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવકે ફરિયાદમાં જણાવ્યુ કે, વિરેન્દ્ર ઉર્ફે રામ નામના યુવકે વોટસએપ કોલ કરી તમારો નંબર અગાઉ સ્પામાં ગયા હતા ત્યાંથી મળ્યો છે અને એમ VIP રોડ પર શ્યામ બાબા મંદિરની સામે કેવલનગર ખાતે નવું સ્પા ચાલું કર્યું છે. તમે ત્યાં આવશો તો સારી એવી ફેસિલિટી આપીશું તેવી વાત કરી લોકેશન મોકલી આપ્યું હતું. લોકેશનના આધારે યુવક ત્યાં પહોંચી ગયો હતો. ત્યાંથી અજાણ્યો યુવક મકાનમાં લઈ ગયો હતો.
આ સમગ્ર વાતચીત બાદ યુવક મકાનમાં ગયો જ્યાં ત્રણ મહિલાઓ હાજર હતી. યુવક ને પહેલા માળે એક મહિલા સાથે બેડ પર બેસાડ્યો હતો. થોડીવારમાં બહારની સાઈડથી જોરજોરથી બારણું ખટખટાવવાનો અવાજ આવતો હતો. જેથી મહિલાએ બારણું ખોલ્યા બાદ વોશરૂમમાં ચાલી ગઈ હતી. દરવાજો ખોલવાની સાથે જ અંદર ધુસી આવેલા બે અજાણ્યાએ પોતાની ઓળખ પોલીસની આપી હતી.