અમદાવાદમાં 20 જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી. દરિયાપુર વિસ્તારમાંથી જ્યારે રથયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક મકાનની બાલ્કનીનો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું તો 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસ, હોમગાર્ડના જવાનો અને સ્થાનિકોએ 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.