સોના તથા દાગીનાની ખરીદીમાં ગ્રાહકોને છેતરાતા રોકવા માટે હોલમાર્ક કાયદો લાગુ પાડવામાં આવ્યો હોવા છતાં પાઉડર ચડાવેલા દાગીના મારફત નકલી કે હલ્કુ સોનુ પક્ડાવી દેવાના ચોંકાવનારા કિસ્સા ખુલતા રાજકોટમાં સોની બજારના વેપારીઓ દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પીળુ એટલે સોનુ નહીંની સલાહ સાથે બેનરો લગાવવાનો સોનીબજારથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારની જાગૃતિ ઝુંબેશ શરૂ કરવાની રણનીતિ છે.સોનાના કારોબારમાં અગાઉ અનેકવિધ પ્રકારે છેતરપીંડી થતી હતી અને તે નવાઈની વાત ન હતી ત્યારે સરકારે હોલમાર્કનો કાયદો લાગુ કર્યો હતો. શુદ્ધતાની ગેરંટી આપતા હોલમાર્ક કરેલા દાગીના વેચવાનુ જ ફરજીયાત કર્યુ હતું. જાે કે, આમાં પણ લેભાગુ-કૌભાંડીયા તત્વોએ છટકબારી શોધી હોય તેમ ડમી હોલમાર્કના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. સોનીબજારના સૂત્રોએ મશીનમાં બનતા દાગીના પાઉડરયુક્ત બનાવીને છેતરપીંડી તથા નકલી સોનાના બનાવો પણ વખતોવખત બહાર આવતા જ રહ્યા છે.હોલમાર્ક કાયદાનો કડક અમલ છતાં સોના તથા દાગીનામાં ભેળસેલના કિસ્સાઓ બનતા જ રહ્યા હોવાથી લોકોને જાગૃત કરવા જવેલર્સ કૃતિ જવેલર્સના પ્રદીપ કંસારાએ ગ્રાહકોમાં જાગૃતિ સર્જવા પહેલ કરી છે. ગ્રાહકોને સાવધાન કરતા બેનરોમાં એવુ લખાણ છે કે પીળું એટલું સોનું નહીં, લેભાગુ હોલસેલરો પાસેથી સોનાના મશીન ચેઈનની ખરીદી પુર્વે પાઉડર યુક્ત સોનાની ગુણવતાની ચકાસણી કરવી એટલુ જ નહી, હોલમાર્ક હોય તો પણ પાકા બીલનો આગ્રહ રાખવો. તેઓએ કહ્યું કે સોનામાં બોગસ હોલમાર્કના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા અને તેમાં ખંભાળીયાની હોલમાર્ક પેઢીનુ લાયસન્સ પણ સસ્પેન્ડ થયુ હતું. મશીનથી બનતા દાગીનામાં પાઉડરયુક્ત સોનુ ધાબડી દેવાતુ હોય છે. જાે કે, હોલમાર્કમાં પકડાઈ જતુ હોવાના કારણોસર બનાવટી-ડમી હોલમાર્કનું દુષણ છે. રાજકોટમાં સોનીબજાર સ્થિત આભૂષણ કોમ્પ્લેકસથી આ જાગૃતિ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર સોનીબજારમાં આ પ્રકારના બેનરો મારવામાં આવ્યા હતા.