દેશમાં મહામારી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. અહીં કોરોનાના સૌથી વધુ 300 કેસ સામે આવી ચુક્યા છે. દરમિયાન, કોરોના વાયરસે મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં પણ પગ પેસારો કરી દીધો છે. મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની ઉંમર 56 વર્ષ છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમના પરિવારના 8થી 10 લોકોને ક્વોરેન્ટિનમાં રાખવામાં આવ્યા છે. દર્દી જ્યાં રહે છે તે ઈમારતને સીલ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, ધારાવી મુંબઈમાં 15 લાખ લોકોની ગીચ વસ્તીવાળો ક્ષેત્ર છે, જે 613 હેક્ટરમાં ફેલાયેલી છે. ધારાવીમાં લાખોની સંખ્યામાં રોજ કમાઈને રોજ ખાતા મજૂરો અને નાના વ્યવસાયીઓ રહે છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 18 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈના સીએસટી રેલવે પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યો છે. ત્યારબાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. રેલવે પોલીસે આ કોન્સ્ટેબલને 30 માર્ચના રોજ કલ્યાણની રુક્મણી બાઈ હોસ્પિટલથી કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં તેનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. હવે તેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 15થી 27 માર્ચ સુધી તેના સંપર્કમાં પોલીસ સ્ટેશનના 32 પોલીસ કર્મચારીઓ આવ્યા હતા.
રેલવે પોલીસના સીનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં કુલ 11 લોકોને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે. બાકી લોકોનો પણ ટૂંક સમયમાં જ સંપર્ક કરીને તેમને ક્વોરેન્ટિન કરી દેવામાં આવશે. આ ઉપરાંત, કોન્સ્ટેબલ જે સામાન્ય લોકોના સંપર્કમાં આવ્યો હતો, તેમની ઓળખ કરવામાં આવી રહી છે.