નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું.આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સોજીત્રા, દાલી, રૂપજ અને ઉમરેઠમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાકમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 3 તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉપરાંત ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.