બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન: શેલા પ્રાથમિક શાળા અને રસમ ગામનાં આંગણવાડી કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
રસમ ગામની આંગણવાડીના પટાંગણમાં વાલીઓ દ્વારા જ 7500 જેટલાં વૃક્ષોના રોપાનું વાવેતર
શેલા પ્રાથમિક શાળાના પટાંગણમાંથી કરવામાં આવ્યો વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં અને આંગણવાડી કેન્દ્રોમાં 75000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરવામાં આવેલા આ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે બાવળા તાલુકાના રસમ ગામ ખાતે આવેલા આંગણવાડી કેન્દ્રના બાળકોના વાલીઓ દ્વારા પણ 7500 થી વધારે જેટલાં રોપા વાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત સાણંદ તાલુકાની શેલા પ્રાથમિક શાળાના પટાંગણમાંથી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા હાજર મહાનુભાવોના હસ્તે શેલા પ્રાથમિક શાળામાં બાળકોના કોડિંગના શિક્ષણને ધ્યાને રાખીને આધુનિક ટેકનોલોજીથી ભરપૂર નવી રોબોટિક લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અવસર ફાઉન્ડેશનના સહયોગથી આ રોબોટિક ક્લબ તૈયાર કરવામાં આવી છે.
બાવડા તાલુકાના રસમ ગામ ખાતેના આંગણવાડી કેન્દ્રના બાળકોના વાલીઓના હસ્તે કુલ 7500 જેટલાં રોપા વાવીને બાળકોના મનમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય તેવા આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનાં કાર્યક્રમોના કારણે નવી શિક્ષણ નીતિના ધ્યેયો સિદ્ધ કરી બાળક શિક્ષણ સાથે પર્યાવરણ તથા આસપાસના વાતાવરણમાં ભળે તેવા આશયથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના સદસ્ય વતી શ્રી સચિનભાઈ ઠાકોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી શ્રી તેજસભાઈ અમીન, શેલા ગામના સરપંચ શ્રી શેરબાનુ નવસાદ આલમ, સાણંદ એજ્યુકેશન ટીમ, અવસર ફાઉન્ડેશનની ટીમ, રસમ ગામના આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર્તાઓ તથા બહેનો, આંગણવાડીમાં ભણતા બાળકો તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.