પાઠ્યપુસ્તક મંડળ જૂના પુસ્તકો વેચીને ભરેલ ગોડાઉન કરી રહ્યું છે ખાલી ! : ગુજરાત કોંગ્રેસ પાઠ્યપુસ્તક મંડળને અપીલ કરે છે કે શાળાઓ નવા પાઠ્યપુસ્તકો માટે વિદ્યાર્થીઓને દબાણ કરતી હોય વાલી – વિદ્યાર્થી હિત માટે જૂના પુસ્તકોની સામે નવા પુસ્તકો વિના મૂલ્યે બદલી આપે : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૨૩ના ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામોમાં લાખો વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા . ૨૦૨૩ માં જે પરિણામ આવ્યું તેવું જ પરિણામ આગળ પણ આવી શકે તેમ હોય ૨૦૨૩માં અચાનક ધોરણ ૬ થી ધોરણ ૧૨ ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો અથવા તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા અને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધો. ૬ થી ધો. ૧૨ માં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. ૬ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે, જે મુજબ મંડળ દ્વારા ચાલુ વર્ષે જૂન-૨૦૨૩થી શરુ થતા શૈક્ષણિક વર્ષમાં ધો. ૬ થી ૧૨ ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો મુદ્રિત કરેલા છે તે બજારમાં ઉપલબ્ધ થશે. હાલ બજારમાં, શાળાઓમાં તથા વાલી કે વિદ્યાર્થીઓ પાસે ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા પાઠ્યપુસ્તકો પણ ઉપલબ્ધ હોય તો તેને પણ ચલાવવા આવશે.
ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન વિષય તેમજ ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં સામેલ પત્રકમાં દર્શાવેલ વિગત મુજબના પ્રકરણના અમુક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણને દૂર કરવામાં આવેલા છે, જેથી ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને પણ ઉપયોગ કરી શકાશે, શિક્ષક દ્વારા ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓની નોંધ વિદ્યાર્થીના પુસ્તકમાં કરાવવાની તકેદારી રાખવાની રહેશે.આમ, ધો. ૬ થી ૧૦ ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના ઘટાડેલ પાઠ્યક્રમ સાથેના ચાલુ વર્ષે મુદ્રિત થયેલા નવા પાઠ્યપુસ્તક અનુસાર શાળાઓમાં ભણાવવામાં આવે અને જો ગત વર્ષમાં અમલી મુદ્રિત થયેલા સદરહુ વિષયના પાઠ્યપુસ્તકો શાળા શિક્ષક કે વિદ્યાર્થી પાસે હોય તો શાળા કક્ષાએ શિક્ષક દ્વારા સંબંધિત વિષયમાં ઘટાડેલ વિષયવસ્તુના મુદ્દાઓ કે ઘટાડેલ પ્રકરણની વિગતો ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે તેવી કાળજી રાખવાની રહેશે.
આ ઘટાડેલા પાઠ્યક્રમના પુસ્તકો મફત અને ફરજિયાત શિક્ષણના ભાગરૂપે ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને મફત મોકલવાના હોય તેના બદલે પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં પડેલા જૂના કોર્સના પાઠ્યપુસ્તકો શાળાઓમાં પધરાવી દીધા ! એ જ પ્રમાણે ગુજરાતના ૮૦૦૦ થી વધારે પુસ્તક વિતરકોને પણ જૂના કોર્સના પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળે વેચીને નફો ઘર કરી દીધો.એક તરફ પાઠ્યપુસ્તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કર્યું તેની સામે અન્ય એજન્સીએ આ જ ગુણવત્તાના પેપર સરકારના અન્ય વિભાગોને ૮૭ રૂપિયા કિલો આપ્યું અને પાઠ્યપુસ્તક મંડળને પાર્ટી બનાવીને હાઇકોર્ટમાં જઈને આ જ પેપર ૮૭ રૂપિયે કિલો આપવા માટે પિટિશન કરી. ત્યારે સમજી શકાય છે કે, એક જ વ્યક્તિને એક જ સંસ્થાને શા માટે આ પ્રકારનું ટેન્ડર વધારે ભાવે છેલ્લા ૧૫ વર્ષથી અપાઇ રહ્યું છે.અત્યારે બજારમાં જુના કોર્સના પુસ્તકો ઉપલબ્ધ છે અને નવા કોર્સના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ધોરણ ૧૦ ના ગણિતના જુના કોર્સના પુસ્તકમાં ૩૧૮ પેજ હતા (વજન – ૮૩૦ ગ્રામ) અને તેની કિંમત ૧૨૬ રૂપિયા હતી નવા કોર્સમાં અભ્યાસક્રમ ઓછો કરીને ૨૩૦ પેજનું ગણિતનું પુસ્તક બનાવવામાં આવ્યું (વજન – ૬૦૫ ગ્રામ) પરંતુ તેનો ભાવ ૧૨૬ રૂપિયા જ રાખવામાં આવ્યો. આજે શાળાઓના શિક્ષકો પણ ખૂબ જ અસમંજસમાં છે કે પ્રકરણો કઈ રીતે ભણાવવા અને કેટલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે. સાથે સાથે વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવે છે કે તમારી પાસે જૂના કોર્સના પુસ્તકો હોય તો તે પુસ્તકો બદલીને ફરીથી નવા અભ્યાસક્રમ પ્રમાણેના પુસ્તકો ખરીદીને લાવો. કોંગ્રેસ સરકારને અપીલ કરે છે કે, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આજે જૂના અને નવા કોર્સના પાઠ્યપુસ્તકોને લઈ અસમંજસમાં છે તથા શાળાઓ માત્ર નવા જ પાઠ્યપુસ્તકો વસાવા દબાણ કરી રહી છે ત્યારે સરકાર જૂના કોર્સના પુસ્તકો પાછા લઈને વિદ્યાર્થીઓને નવા કોર્સના પુસ્તકો વિનામૂલ્યે બદલી આપે જેથી કરીને તેમના ભણતર પર કોઈ અસર ન થાય અને ગત વર્ષ કરતા પરિણામમાં સુધારો આવે.