ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહને મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં વચગાળાના જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સમન્સ ઈસ્યુ કર્યા બાદ મંગળવારે બ્રિજ ભૂષણને રજૂ કરવામાં આવ્યા હતા, સુનાવણી શરૂ થયાના થોડા સમય બાદ વચગાળાના જામીન પર નિર્ણય આવ્યો હતો. કોર્ટે આ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ અને સહ આરોપી વિનોદ તોમરને બે દિવસની રાહત આપી છે. રાઉઝ એવન્યુ કોર્ટે 25,000 રૂપિયાના અંગત બોન્ડ પર આ જામીન મંજૂર કર્યા છે. હવે કોર્ટ આ મામલે 20 જુલાઈએ બપોરે 12.30 વાગ્યે સુનાવણી કરશે, જ્યાં નિયમિત જામીન પર સુનાવણી થઈ શકે છે. મંગળવારે કોર્ટમાં હાજર થયા પહેલા કડક સુરક્ષા કરવામાં આવી હતી. બ્રિજ ભૂષણ વતી એડવોકેટ એપી સિંહ, રાજીવ મોહને દલીલો કરી હતી, જ્યારે દિલ્હી પોલીસ વતી અતુલ શ્રીવાસ્તવે પક્ષ રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન, બ્રિજ ભૂષણના વકીલ રાજીવ મોહને કહ્યું કે દિલ્હી પોલીસે આ કેસમાં ધરપકડ કર્યા વિના ચાર્જશીટ દાખલ કરી છે, જે કલમો લગાવવામાં આવી છે તેમાંથી કોઈપણમાં 5 વર્ષથી વધુની સજાની જોગવાઈ નથી. બ્રિજ ભૂષણના વકીલે દાવો કર્યો હતો કે અમને આજે જ ચાર્જશીટ મળી રહી છે, અમે તેને લીક નહીં કરીએ અને અન્ય લોકોએ પણ તેને પત્રકારોને લીક ન કરવી જોઈએ. વકીલની અપીલ બાદ જજે કહ્યું કે તમે ઈન કેમેરા કાર્યવાહી માટે હાઈકોર્ટનો સંપર્ક કરો. દિલ્હી પોલીસે જામીન આપવાનો વિરોધ કર્યો અને કહ્યું કે જો આવું થાય તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. દિલ્હી પોલીસે ગયા મહિને જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, લગભગ દોઢ હજાર પેજની ચાર્જશીટમાં બ્રિજ ભૂષણ સિંહ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જે બાદ 6 જુલાઈએ કોર્ટે બ્રિજભૂષણ સિંહને હાજર થવા માટે સમન્સ ઈસ્યુ કર્યું હતું. કુસ્તીબાજોના નિવેદનના આધારે દિલ્હી પોલીસે ચાર્જશીટમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ ચલાવવાની વાત કરી હતી. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં લગભગ 6 મહિલા કુસ્તીબાજોના આધારે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354, 354-A, 354D હેઠળ કેસ નોંધ્યો હતો. જ્યારે સહઆરોપી વિનોદ તોમર સામે IPCની કલમ 109, 354, 354 (A), 506 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે.